News of Tuesday, 30th September 2025
માંગરોળમાં ભારે વરસાદમાં જેટીમા લાંગરેલી ૮ હોડી ઉંધી વળી ગઇઃ નુકશાન
નાળીયેરીના વૃક્ષ ધરાશાયીઃ મગફળીના પાકને નુકશાન

(નરેશ ગોસ્વામી દ્વારા) માંગરોળ તા.૩૦: માંગરોળમાં રવિવારે રાતથી ભારે ગાજવીજ સાથે શરૂ થયેલો વરસાદ સોમવારે સવાર સુધી અવિરત વરસતા સાડા આઠ ઈંચ જેટલું પાણી પડયું હતું. ભારે વરસાદને પગલે ગરબીઓ બંધ રાખવાની ફરજ પડી હતી. રાત્રે સુસવાટા મારતા પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા બંદર પર જેટીમાં લાંગરેલી આઠેક હોડીમાં પાણી ભરાતા ઉંધી વળી ગઈ હતી અને મશીન, જનરેટર, ફિશીંગ નેટમાં નુકસાન થયું હતું.
ગત રાત્રીના દસ વાગ્યાથી ભારે પવન ફૂંકાવાની સાથે ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ઘડીભરમાં વિજળીના કડાકા ભડાકા અને ચોમેર વાદળછાયા વાતાવરણ વચ્ચે મુશળધાર વરસાદ ખાબકતા તાબડતોબ ગરબીના આયોજન આટોપી લેવાયા હતા.
ભારે ઉત્સાહ, ઉમંગ સાથે ગરબે રમવા પહોંચેલા ખેલૈયાઓને નિરાશ થવું પડ્યું હતું. દરમ્યાન વરસાદે જોર પકડતાં શહેરમાં તમામ વિસ્તારોમાં ચારે બાજુ પાણી પાણી થઈ ગયું હતું. જુના બસ સ્ટેન્ડ, બંદર ઝાંપા, બહાર કોટ સહિતના વિસ્તારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રાત્રે ૧૦ થી ૨ વાગ્યા દરમ્યાન બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ ફરી વહેલી સવારે ૪ વાગ્યાથી અનરાધાર વરસતા ૧૦ વાગ્યા સુધીમાં વધુ સાડા છ ઈંચ વરસાદ ખાબકયો હતો. અવિરત વરસેલા વરસાદથી લંબોરા ડેમ વધુ એકવાર ઓવરફ્લો થયો હતો. નોળી નદીમાં પણ પુર આવ્યું હતું.
ભારે વરસાદથી સવારે માંગરોળ - કેશોદ રોડ પર ભાટગામ પાસે ભારે માત્રામાં પાણી વહેતા ભારે વાહનો માટે નીકળવું અતિ મુશ્કેલ બન્યું હતું. જ્યારે નાના વાહનચાલકોને વાહનો થંભાવી દેવાની ફરજ પડી હતી. કામનાથ નજીકના કોઝવે પર પાણી વહેતા માંગરોળ - માળીયા વાયા જુથળ રોડ પણ બંધ થઈ જવા પામ્યો હતો. ભારે પવનથી શહેરના બંદર ઝાંપા નજીક સોલવાવ વિસ્તારમાં નાળીયેરીનું ઝાડ ધરાશાયી થયું હતું. પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાત્રી દરમ્યાન ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી આગોતરી મગફળીના પાકમાં નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી તરફ આ વરસાદ શિયાળુ અને ઉનાળુ પાક માટે ફાયદાકારક હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
