<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

મોરબીના મકનસર પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા મહિલાનું મોત: પતિ સારવારમાં

માળિયા હાઇવે ભીમસરના પાટીયા પાસે એકટીવાનું ટાયર ફાટતા વૃદ્ધનું મોત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી-વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ પાસે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારીમાં મોરબીથી વાંકાનેરદર્શન કરવા માટે જઈ રહેલા પતિ-પત્નીના વાહનને ટ્રક ચાલકે હડફેટે લેતા પેટના ભાગે વ્હીલ ફરી જવાથી મહિલાનું મોત નીપજ્યું હતું.જ્યારે તેમના પતિને હાલ સારવારમાં ખસેડાયા હોય બનાવ સંદર્ભે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે લાલબાગની પાછળ આવેલા રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ભુપેન્દ્રભાઈ ઉર્ફે ભુપતભાઇ લવજીભાઈ ગોહિલ દરજી (૫૮) તથા તેમના પત્ની રંજનબેન ભૂપેન્દ્રભાઈ ગોહિલ (૪૫) બંને બાઈકમાં ડબલ સવારીમાં મોરબીથી દર્શન કરવા માટે વાંકાનેર તરફ જતા હતા.ત્યારે મકનસર ગામ નજીક તેમના વાહનને ટ્રક ચાલાકે હડફેટે લીધું હતું.જે બનાવમાં રંજનબેનને માથાના ભાગે ઇજાઓ થઈ હતી તથા ટ્રકનું વ્હીલ પેટના ભાગે ફરી ગયું હતું.જેથી કરીને રંજનબેનનું કમકમાટીભર્યું મોત નિપજયુ હતુ.જ્યારે તેમના પતિ ભૂપેન્દ્રભાઈ ગોહિલને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબીના માળિયા મીંયાણા પાસે આવેલ ભીમસર ચોકડી પાસે એકટીવાનું ટાયર ફાટતાં ભાણેજની નજર સામે જ તેના મામાનું મોત નિરજયુ હતું. વૃદ્ધ મોરબીથી ઝીંગા લેવા માટે માળીયા ગયા હતા અને તેઓ ત્યાંથી તેમના ભાણેજ સાથે એકટીવામાં પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત બનાવ બન્યો હતો.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના લાતી પ્લોટ પાસે આવેલ જોન્સનગર શેરી નંબર-૧૦ માં રહેતા હુસેનભાઇ અબ્રાહમભાઈ માણેક મીંયાણા નામના ૮૨ વર્ષના વૃદ્ધ માળીયા(મિં.) ગયા હતા.તેઓ ઝીંગા (દરીયાઇ જીવ) નો ધંધો કરતા હોય ત્યાંથી ઝીંગા લઈને તેમના ભાણેજ અલાઉદીન સધવાણીની સાથે એકટીવામાં પરત મોરબી બાજુ આવતા હતા.ત્યારે માળીયા પાસે ભીમસરના પાટીયા પાસે તેઓના એકટીવાનું પાછળનું ટાયર ફાટી ગયું હતું.જેથી સર્જાયેલ અકસ્માત બનાવમાં માથા તથા શરીરના ભાગે થયેલ ઇજાઓના પગલે હુશેનભાઇ અબ્રાહમભાઈ માણેક નામના વૃદ્ધનું મોત નીપજ્યું હતું. મૃતદેહને અત્રે સિવિલે લાવવામાં આવતા અહીંના પોલીસ મથકના એસ.કે.બાલાસરા દ્વાર પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ માટે માળિયા પોલીસમાં જાણ કરવામાં આવી હતી

(12:51 AM IST)