<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

જુનાગઢમાં ગિરીશભાઇ કોટેચા પરિવારનો સેવાયજ્ઞઃ ગરબીની હજારો બાળાઓને ભોજન પ્રસાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧: છેલ્લા ૨૧ વર્ષથી જુનાગઢ શહેરમાં કોટેચા પરિવાર દ્વારા એક અનોખો સેવાયજ્ઞ સતત આયોજિત કરવામાં આવે છે. પૂર્વ ડેપ્‍યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા, શ્રીમતી ગીતાબેન કોટેચા તથા પરિવારજનોના સંકલ્‍પથી શરૂ થયેલો આ સેવા ઉત્‍સવ આજે સમાજમાં એક પ્રેરણાષાોત બની રહ્યો છે.

દર વર્ષે નવરાત્રી પર્વ દરમિયાન ત્રણ દિવસ સુધી - આ વર્ષે તા. ૩, ૪ અને ૫ ઓક્‍ટોબર ૨૦૨૫ (શુક્ર, શનિ અને રવિ) - શહેર તથા આસપાસના ગામડાંમાંથી આવતા આશરે ૨૫૦ ગરબી મંડળોની  ૨૦,૦૦૦ થી વધુ દીકરીઓને કોટેચા પરિવાર દ્વારા ભોજન પ્રસાદ આપવામાં આવે છે.

આ સેવા યજ્ઞની ખાસિયત એ છે કે ભોજન પહેલાં દીકરીઓનું પરંપરા મુજબ કુમકુમ તિલક કરી, પગ ધોઈ અને લાણી આપી સન્‍માન કરવામાં આવે છે. પછી સૌને એક સાથે બેસાડી ભોજન કરાવવામાં આવે છે.

બાળાઓ અને બહેનોને કાર્યક્રમ સુધી સરળતાથી પહોંચાડી શકાય તે માટે દરરોજ ૫૦ બસોની વિશેષ વ્‍યવસ્‍થા પણ પરિવાર દ્વારા કરવામાં આવે છે. અંતિમ દિવસે કાર્યક્રમમાં વિકલાંગ બાળકો, વળદ્ધાશ્રમની બહેનો તથા પ્રજ્ઞાક્ષ દીકરીઓને ખાસ આમંત્રિત કરી સન્‍માન સાથે ભોજન પ્રસાદ અપાય છે.

કોટેચા પરિવારના આ સેવાયજ્ઞમાં દર વર્ષે જુનાગઢની વિવિધ સામાજિક સંસ્‍થાઓ તથા આગેવાનો પણ સહયોગી બને છે અને સેવા કાર્યને વધુ વ્‍યાપક બનાવે છે. આ માટે ગિરિરાજ વિલા, ગિરનાર રોડ, જુનાગઢ ખાતે આયોજક ગીરીશભાઈ કોટેચા, ગીતાબેન કોટેચા, પાર્થ કોટેચા,  ચાંદનીબેન કોટેચા, જમાઈ નિલય રૂપારેલીયા તથા શ્રીમતી શ્વેતા રૂપારેલીયા - કોટેચા પરિવાર જહેમત ઉઠાવે છે.

(10:47 AM IST)