News of Wednesday, 1st October 2025
જૂનાગઢમાં પરવાનો ન હોવા છતાં ગોડાઉનમાં રાખેલા ૧.૧૪ લાખના ફટાકડા પકડાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧: જૂનાગઢમાં પરવાનો ન હોવા છતાં ગોડાઉનમાં રાખેલા ૧.૧૪ લાખના ફટાકડા એસઓજીએ કબજે લઈ ગોડાઉન માલિક સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
જૂનાગઢમાં દાતાર રોડ પર આવેલ શ્યામ ચેમ્બરની સામે ભવાની હોલમાં બાકીરભાઈ અસગરઅલી ભગતે ફટાકડા વેચાણ કરવા કે સંગ્રહ કરવા અંગેનો પરવાનો ન હોવા છતા પોતાના કબજાના ગોડાઉનમાં ફટાકડાનો જથ્થો રાખ્યો હોવાની બાતમી મળતા એસઓજીના પીઆઈ જે. જે. પટેલ, આર. બી. ગઢવી સહિતના સ્ટાફે ગઈકાલે સાંજે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ગોડાઉનમાં રૂપિયા ૧,૧૧,૪૩૦ની કિંમતના અલગ-અલગ ૨૨ બ્રાન્ડના ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો. ગોડાઉન પર માનવ જીંદગી ન જોખમાય તે રીતે ફાયર સેફટીના કોઈ પણ સાધનો પણ રાખવામાં આવ્યા ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
આથી ગોડાઉન માલિક રબાકીરભાઈ અસગરઅલી ભગત સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. જે.જે.પટેલ તથા એ.એસ.આઇ મહેન્દ્રભાઇ કુવાડીયા તથા જીતેન્દ્રસિંહ ચૌહાણ, પો.હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ વાંક, પ્રતાપભાઇ શેખવા, બાલુભાઇ બાલસ, પો.કો.રાજુભાઇ ભેડા, વિશાલભાઇ ડાંગર વિગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
