News of Wednesday, 1st October 2025
ભટીંડાથી ભુજ ડ્રગ્સ કનેક્શન: ૫.૫૦ લાખના હેરોઇન સાથે ભુજના બે યુવાનો ઝડપાયા : જુઓ વિડીયો
પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસની તપાસમાં ડ્રગ્સ લાવવામાં અંજાર અને ભટીંડાના બે શખ્સોની સંડોવણી ખુલી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ : દારૂ અને ડ્રગ્સ જેવા વ્યસનોમાં યુવા પેઢીને ફસાવી આપણા દેશને બરબાદ કરવાના ષડયંત્રને નાથવાનો સુરક્ષા એજન્સીઓ સામે આજે સૌથી મોટો પડકાર છે. સરહદી કચ્છ જિલ્લા સુધી વિસ્તરતા વ્યસનના આ દૂષણને નાથવા પોલીસ કાર્યરત છે. ત્યારે પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસે બે દિવસમાં ડ્રગ્સનો બીજો કેસ ઝડપી લીધો છે. ભુજમાં રીક્ષા ચાલકને એમડી ડ્રગ્સ સાથે ઝડપ્યા બાદ ભુજની ભાગોળે શેખપીર ત્રણ રસ્તા પાસેથી કારમાં હેરોઇનના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન અંજારથી ભુજ આવતી કારમાં સવાર શક્તિસિંહ રવિન્દ્રસિંહ ઝાલા અને શિવરાજ સુરેશ ગઢવી નામના ભુજમાં રહેતા બે યુવાનો પાસેથી ૫.૫૦ લાખરૂપિયાનું ૧૧ ગ્રામ હેરોઇન, ઇલેક્ટ્રીક વજન કાંટો અને અડધી દારૂની બોટલ ઝડપી પાડી હતી. વધુ પૂછપરછમાં હેરોઇન ડ્રગ્સનો આ જથ્થો અંજારના વીડી ગામના જીતુ ઉર્ફે જીતેન્દ્ર માવજી સોરઠીયાએ આપ્યો હતો. જીતુ આ જથ્થો પંજાબના ભટીંડા શહેરમાંથી વિકી મજબી શીખ નામના ઇસમ પાસેથી લઈ આવ્યો હતો. ભટીંડાથી ભુજના ઝડપાયેલા આ ડ્રગ્સ કનેક્શનની તપાસમાં પોલીસે જથ્થો જ્યાંથી આવ્યો છે એ અંજાર અને પંજાબના ભટીંડાના ડ્રગ્સ ડીલરની સંડોવણી અંગે આગળની તપાસ હાથ ધરી છે. પશ્ચિમ કચ્છ એસઓજી પીઆઈ કે.એમ. ગઢવી અને સ્ટાફે આ કામગીરી પાર પાડી હતી.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
