News of Thursday, 2nd October 2025
સરકારની એમએસપી યોજના અંતર્ગત ખેડૂતોની મગફળી ખરીદીના
જથ્થામાં વધારો કરવા જસદણ યાર્ડના બોર્ડ દ્વારા રજૂઆત

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨ :.. જસદણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રમેશભાઈ હિરપરા, વાઇસ ચેરમેન મહાવીરભાઈ ધાધલ, જસદણ યાર્ડના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેક્ટર અરવિંદભાઈ તાગડિયા સહિતના ડિરેક્ટરોએ જસદણના ડેપ્યુટી કલેક્ટર રાહુલભાઈ ખાંભરા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતનાને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવા માટે નિર્ણય કરેલ છે તે આવકારદાયક છે.
ગયા વર્ષે દરેક ખેડૂત પાસેથી ૨૦૦ મણ મગફળીની નિયામ મુજબ ખરીદી કરવામાં આવેલ હતી તેનાથી ખેડૂતોને ઘણો જ ફાયદો થયો હતો પરંતુ આ વર્ષે જાણવા મળ્યા આ મુજબ સરકાર દ્વારા મિનિમમ સેલિંગ પ્રાઈઝ હેઠળ ખેડૂતો પાસેથી મગફળી ખરીદીમાં જથ્થાનું પ્રમાણ ઘટાડીને દરેક ખેડૂત દીઠ ૭૦ મણ મગફળી સરકાર દ્વારા ખરીદ કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે. આ જથ્થાનું પ્રમાણ ઘણું જ ઓછું છે. બીજી બાજુ ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન ગત વર્ષ કરતાં પણ વધારે થાય તેમ છે.
ત્યાંરે મગફળી ખરીદીના જથ્થામાં સરકાર દ્વારા ઘટાડો કરવાની હિલચાલ સામે ખેડૂત આલમમાં રોષ ફેલાયો છે મગફળી ખરીદીનું પ્રમાણ ૨૦૦ મણ કરતાં પણ વધારે કરવામાં આવે તેવી ખેડૂતોની માગણી છે.
જસદણ માર્કેટિંગ યાર્ડમાં ખેત ઉત્પાદનના માલ વેચવા આવતા ખેડૂતો તેમજ જસદણ બજાર વિસ્તારના ખેડૂતોની માંગણી મુજબ દરેક ખેડૂત દીઠ ૨૦૦ મણ કરતા પણ વધારે મગફળીની ખરીદી થાય તો જ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેમ છે. ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કરવા અંતમાં રજૂઆત કરવામાં આવી છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
