<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

સાયલા કોર્ટ પરિસરમાં એક વકીલે અચાનક બીજા વકીલ પર હુમલો કર્યો

પોલીસે હુમલો કરનારા વકીલની અટકાયત કરીઃએક વકીલે બીજા વકીલ પર હુમલો કરવાના બનાવથી સમગ્ર કોર્ટ પરિસરમાં ચકચાર મચી જવા પામી હતી

સુરેન્દ્રનગર,તા.૨

સુરેન્દ્રનગરમાં સાયલા કોર્ટ ખાતે બાર રૃમમાં બે વકીલો વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. એક વકીલે બીજા વકીલ પર હુમલો કરવાના બનાવથી સમગ્ર કોર્ટ પરિસરમાં ચકચાર મચી જવા પામી હતી. બપોરના સમયે કોર્ટ પરિસરમા બનેલા હુમલાના બનાવમાં ઈજાગ્રસ્ત વકીલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યારે હુમલો કરનાર વકીલની પોલીસે અટકાયત કરી હતી.

સાયલા કોર્ટમાં બનેલા ચકચારી બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે ગઈકાલે કોર્ટના બાર રૃમમાં હાજર વકીલ મુકેશભાઈ જાની પર અન્ય વકીલ હરેશ જોગરાણાએ ઓચિંતો હુમલો કરી દીધો હતો. આ દરમિયાન ત્યાં હાજર વકીલો પણ હતપ્રત થઈ ગયા હતા અને બન્નેને છૂટા પાડવા માટે પ્રયાસ કર્યા હતા.પોતાના અસીલોની અરજી કોર્ટે નામંજૂર કરતા તેનું મનદુઃખ રાખી સામે વાળાના વકીલ મુકેશભાઈ જાની પર હરેશ જોગરાણા એ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. કોર્ટમાં થયેલ માથાકૂટ માં ઈજાગ્રસ્ત થયેલા વકીલ મુકેશભાઈ જાનીને માથાના ભાગે ઇજાઓ થવા સાથે શ્વાસ લેવામાં તકલીફ થતા સાથેના વકીલો દ્વારા તેમને તુરંત સાયલા સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા.

ઘટનાની ગંભીરતા પારખી સાયલા પોલીસ દ્વારા આરોપી વકીલની અટકાયત કરી હતી. હુમલાની ઘટના બાદ ભોગ બનનાર મુકેશભાઈ જાની દ્વારા હરેશ જોગરાણા વિરુધ્ધ ગળું દબાવી, તેણે હાથમાં પહેરેલ સરલ વડે માથામાં ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની કોશિશ કરવાનો ગુનો દાખલ કરતા સાયલા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હજુ સુધી ભોગ બનનાર વકીલ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે ત્યારે બાર રૃમમાં બોલેલી બઘડાટી થી કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

 

(10:12 PM IST)