News of Friday, 3rd October 2025
પોરબંદર પાસે નેત્રાવતી નદીને જોડતી કેનાલનું બાકી કામ વહેલી તકે પુરૂ કરવા કુંવરજીભાઇની સૂચના
કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ શીલ બંધારા અને નેત્રાવતી અને મધુવંતી નદી વિસ્તારની મુલાકાત લઇને કેનાલનું કામનું નિરીક્ષણ કર્યુ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૩: જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શીલ ગામ અને નેત્રાવતી નદીની મુલાકાતે જઇને નેત્રાવતી-મધુવંતી નદીને જોડતી કેનાલનું આત્રોલીથી મધુવંતી નદી સુધીનું બાકી કામ સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી હતી.
જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પોરબંદર જિલ્લાના મુળ માધવપુર તેમજ જુનાગઢ જિલ્લાના શીલ ગામ ખાતે શીલ બંધારા તથા નેત્રાવતી નદી વિસ્તારની મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રી કુંવરજીભાઇએ પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે આવેલ મધુવંતી નદીની મુલાકાત લીધી અને નદીમાં પાણીના પ્રવાહનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે નેત્રાવતી-મધુવંતી નદીને જોડતી કેનાલનું આત્રોલીથી મધુવંતી નદી સુધીનું બાકી રહેલું કામ વહેલી તકે પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
મંત્રીશ્રીએ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામ ખાતે નેત્રાવતી નદીની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન નદી પર નવો બંધારો બનાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.આ મુલાકાત દરમિયાન કુંવરજીભાઇ સાથે માંગરોળ-માળીયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા અગ્રણી શ્રી રાજાભાઈ ભરડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
