<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

મોરબીના ટીંબડી પાટીયા પાસે હોટેલમાં જમવા જતા ટ્રક ડ્રાઇવરને ટ્રકે કચડી નાંખતા મોત

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૩: મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક ડ્રાઇવર પોતાના ટ્રક રોડ સાઈડમાં મૂકીને હોટલમાં જમવા માટે જઈ રહ્યો હતો ત્‍યારે વેબ્રિજ પાસે કાંટો કરાવવા માટે આવેલ અન્‍ય ટ્રકના ચાલકે તે યુવાનને હડફેટ લઈને નીચે પાડી દીધો હતો ત્‍યારબાદ તેના ઉપરથી ટ્રકના તોતિંગ વ્‍હીલ ફરી જવાના કારણે તે યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્‍યું હતું.

મળતી માહિતી મુજબ મૂળ રાજસ્‍થાનના પાલી તાલુકાના મડિયા ગામનો રહેવાસી ગુણેશ્વરરામ સોનારામ દેવાસી (૩૮) નામનો યુવાન પોતાના હવાલા વાળો ટ્રક મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે રોડ સાઈડમાં ઉભો રાખીને રામેશ્વર વેબ્રિજ પાસે આવેલો હોટલે જમવા માટે થઈને જઈ રહ્યો હતો દરમિયાન વેબ્રિજ ઉપર કાંટો કરાવવા માટે થઈને આવેલા અન્‍ય ટ્રક નંબર ડીડી ૦૧ ટી ૯૯૮૬ ના ચાલકે તેને હડફેટે લીધો હતો અને ગુણેશ્વરરામ દેવાસીને નીચે પાડી દીધા બાદ તેના ઉપરથી ટ્રકના વ્‍હીલ ફેરવી દીધા હતા જેથી અકસ્‍માતના બનાવમાં ગંભીર રીતે ઈજા પામેલ યુવાનનું ઘટના સ્‍થળે જ મોત નીપજ્‍યું હતું ત્‍યારબાદ તેના મળતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્‍પિટલ ખાતે લઈને આવ્‍યા હતા અને આ બનાવ અંગેની હોસ્‍પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્‍માતના બનાવ સંદર્ભે ફરિયાદ લેવા માટે થઈને તજવીજ હાથ ધરવામાં આવી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે આ બનાવના કારણે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

(1:34 PM IST)