News of Saturday, 4th October 2025
ગોંડલમાં કલીનીકમાં નોકરી કરતાં ઉજેફ દોઢીયાનો ગળેફાંસો ખાઇ આપઘાત
૯ માસ પૂર્વે જ લગ્ન થયા'તા અને પત્ની ૩ માસથી રિસામણે છેઃ એકના એક પુત્રના આપઘાતથી પરિવારમાં અરેરાટી

(હરેશ ગણોદીયા દ્વારા) ગોંડલ તા.૪: ગોંડલ શહેરના મોવિયા રોડ પર આવેલા KGN પાર્કમાં રહેતા ૨૨ વર્ષીય પરિણીત યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મળતક યુવાનના ૯ મહિના પહેલા જ લગ્ન થયા હતા અને છેલ્લા ૩ મહિનાથી પત્ની રિસામણે હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર KGN પાર્કમાં રહેતા ઉજેફ હુસેનભાઈ દોઢિયા (ઉ.વ. આશરે ૨૨) બપોરે નમાઝ પઢયા બાદ પોતાના રૂમમાં સૂવા માટે ગયા હતા. સાંજે લગભગ ૫ વાગ્યે તેમની નાની બહેન ભાઈને જગાડવા માટે ગઈ હતી, પરંતુ રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. વારંવાર દરવાજો ખખડાવવા છતાં કોઈ જવાબ ન મળતા, બહેને બારીમાંથી અંદર જોયું તો ઉજેફ પંખાના હૂક સાથે દોરડા વડે લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. આ દ્રશ્ય જોતા જ બહેને ચીસાચીસ કરી મૂકતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને દરવાજો તોડીને ઉજેફને નીચે ઉતાર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ઘટના સમયે મળતકના પિતા, જેઓ ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે, તેઓ ટ્રક લઈને ગુજરાત રાજ્ય બહાર ગયા હતા, જ્યારે માતા છૂટક મજૂરી કામ માટે બહાર હોવાથી ઘરે હાજર ન હતા. ઘરમાં માત્ર ભાઈ-બહેન જ હતા. મળતક ઉજેફ એક ક્લિનિકમાં નોકરી કરતો હતો. તે પરિવારનો એકનો એક દીકરો હતો. તેના અચાનક આપઘાતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ થતાં ગોંડલ એ-ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી મળતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
