<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

ધ્રોલ નજીક ગમખ્‍વાર અકસ્‍માત : બે રીક્ષા વચ્‍ચેના બાંધેલા દોરડામાં બાઇક ફસાઈ જતાં યુવાનનું મોત

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૪:  ધ્રોલ ગઈકાલે જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક એક ગમખ્‍વાર માર્ગ અકસ્‍માતમાં ૧૯ વર્ષીય યુવાનનું કરૂણ મળત્‍યુ થયું હતું. બે રીક્ષાને દોરડાથી બાંધીને બેફિકરાઈથી ચલાવતા રીક્ષાચાલકની ગંભીર બેદરકારીને કારણે આ અકસ્‍માત સર્જાયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ વિગતમાં મળતી માહિતી મુજબ, રાજકોટના ધવલભાઈ અજીતભાઈ ચાવડા (ઉ.વ. ૧૯) તેમના પિતરાઈ ભાઈ ઉદયભાઈ સાથે મોટરસાયકલ (ર.જી. નં. GJ ૦૩ DA ૯૧૩૨) પર કબૂતર બાંધવાની જાળીના કામ માટે રાજકોટથી જામનગર તરફ જઈ રહ્યા હતા. આશરે બપોરના ૨ વાગ્‍યાની આસપાસ ધ્રોલ રાજકોટ હાઈવે પર આવેલા હીરાના કારખાનાથી આગળ અને એચ.પી. પેટ્રોલ પંપની સામે રોડ પર આ અકસ્‍માત થયો હતો.

સામેથી આવી રહેલી એક છકડો રીક્ષા (ર.જી. નં. GJ-૧૦-TZ-૩૬૬૦) ના ચાલકે પોતાની રીક્ષા પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અચાનક વળાંક વાળ્‍યો હતો. આ રીક્ષાની પાછળ દોરડા વડે બીજી રીક્ષા બાંધેલી હતી. રીક્ષાચાલકની આ બેદરકારીને કારણે, બંને રીક્ષા વચ્‍ચે બાંધેલું દોરડું ધવલભાઈના મોટરસાયકલની વચ્‍ચે આવી ગયું હતું. દોરડું મોટરસાયકલની પાછળ બેઠેલા ઉદયભાઈને શરીરના ભાગે અથડાતા, તેઓ બાઇક પરથી રોડ પર પટકાયા હતા. આ ગંભીર અકસ્‍માતમાં ઉદયભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા (હેમરેજ) થતાં તેમનું ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યું મળત્‍યુ નીપજ્‍યું હતું.

બનાવ અંગે, ધવલભાઈ ચાવડાએ તાત્‍કાલિક ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં છકડો રીક્ષા (GJ-૧૦-TZ-૩૬૬૦) ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ધ્રોલ પોલીસના પો. હેડ કોન્‍સ. શ્રી આર.એ. કુબાવતે વધુ તપાસ હાથ ધરી

(1:28 PM IST)