<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે રૂ.૩૨ લાખના ખર્ચે કનેસરા ગામ ખાતે નવીન ચેકડેમનું ખાતમુહૂર્ત કરાયું

"નાગરિકોને સિંચાઈ અને પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ."- મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા

રાજકોટ :  જળ સંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે રૂ. ૩૨ લાખના ખર્ચે જસદણ તાલુકાના કનેસરા ગામના અનામત વીડી વિસ્તારમાં નવીન ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, જસદણ તાલુકાના કનેસરા ગામના અનામત વીડી સીમ વિસ્તારમાં આવેલ છે. અહીંયા લોકોને યોગ્ય સિંચાઈ અને પીવાનું પાણી મળી રહે તથા ભૂગર્ભ જળ રીચાર્જ થઈ શકે તે માટે ચેકડેમો, તળાવો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. નાના ચેકડેમો બનાવવાનો મુખ્ય ઉદેશ્ય પાણીનો સંગ્રહ કરવાનો હોવાથી સીમ વિસ્તારના ખેડૂતોને પાણી મળી રહે છે. સૌની યોજના સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર અમલી કરવા અને નાગરિકોને સિંચાઈ, પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

આ તકે કનેસરા ગામના સરપંચશ્રી, જસદણ એ.પી.એમ.સી.ના ચેરમેન શ્રી પ્રાગજીભાઈ કુકડીયા, મદદનીશ વન સંરક્ષક શ્રી નરેન્દ્રભાઈ ગઢવી, જસદણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી એમ.એમ. ભરવાડ, સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી ડેનિશભાઇ સહિત કનેસરા ગામની આસપાસના ગામોના અગ્રણીશ્રીઓ, સ્થાનિક આગેવાનો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(4:48 PM IST)