News of Sunday, 5th October 2025
ફિલ્મફેરની બ્લેક લેડી સાથે અક્ષય કુમારની કચ્છની યાત્રા: સફેદ રણથી ધોળાવીરા સુધીનો સંસ્કૃતિનો અનુભવ કર્યો
'બ્લેક લેડી' ટ્રોફી સાથે કચ્છના રણથી લઈને પ્રાચીન ધોળાવીરા અને ફોસિલ પાર્કની અદ્ભુત અજાયબીઓ સુધીના સ્થળોની મુલાકાત લીધી:ગુજરાત ટૂરિઝમ દ્વારા વીડિયો શેર કરાયો

બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે 70મા હ્યુન્ડાઇ ફિલ્મફેર એવોર્ડ્સ 2025ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની મુલાકાત લીધી છે. આ યાત્રા દરમિયાન, તેઓ ફિલ્મફેરની પ્રતિષ્ઠિત 'બ્લેક લેડી' ટ્રોફી સાથે કચ્છના રણથી લઈને પ્રાચીન ધોળાવીરા અને ફોસિલ પાર્કની અદ્ભુત અજાયબીઓ સુધીના સ્થળોની મુલાકાત લીધી હતી. ગુજરાત ટૂરિઝમ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં અક્ષયે કચ્છની સંસ્કૃતિ અને પ્રવાસન સ્થળો જણાવ્યું હતું.
અક્ષય કુમારે ગુજરાતની તેમની સફરનો પ્રારંભ કચ્છના વિરાટ અને વૈવિધ્યસભર ભૂમિપ્રદેશથી કર્યો. તેમણે કચ્છના સમૃદ્ધ વારસાને નજીકથી જોયો અને તેની અનોખી સંસ્કૃતિનો અનુભવ કર્યો. આ ઉપરાંત, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની મુલાકાત લઈ, તેમણે હડપ્પન સંસ્કૃતિના પ્રાચીન અવશેષો અને તેના અદભુત આયોજનને નિહાળ્યું. ફોસિલ પાર્કમાં દુર્લભ અશ્મિઓનું નિરીક્ષણ કરીને, તેમણે ગુજરાતના ભૂસ્તરીય ઇતિહાસની ઝલક પણ મેળવી.
પોતાના અનુભવો વ્યક્ત કરતા અક્ષય કુમારે જણાવ્યું હતું કે, "હીરા હોય કે બરફ હોય કે તારાની ધૂળ, વાસ્તવિકતા ઘણીવાર કલ્પના કરતાં વધુ સુંદર હોય છે. દરેક વસ્તુને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે એક લેન્ડસ્કેપમાં આપનું સ્વાગત છે. આ કચ્છ છે, એક એવી ભૂમિ જેનો કેનવાસ આકાશ કરતાં મોટો છે." તેમણે ધોળાવીરાને સમયની યાત્રા સમાન ગણાવ્યું જ્યાં "આખી દુનિયા હજુ પણ ભૂગર્ભમાં જીવંત છે." અભિનેતાએ અહીંની મૌન શાંતિ, રંગબેરંગી કલા અને દરેક ખૂણે છુપાયેલી વાર્તાઓની પ્રશંસા કરી
આ પ્રવાસનો મુખ્ય હેતુ ગુજરાતના કાલાતીત આકર્ષણ અને તેની જીવંત પરંપરાઓને ઉજાગર કરવાનો હતો. ફિલ્મફેરની 'બ્લેક લેડી' સાથેની આ યાત્રા ગુજરાતના ભવ્ય વારસાને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનું એક માધ્યમ બની રહી છે. અક્ષય કુમારે ભારપૂર્વક જણાવ્યું કે, જેમ આ બ્લેક લેડીને જોયા પછી મારા શ્વાસ અટકી જાય છે, તેમ તમે પણ આ શાંત ક્ષણમાં સાંત્વના લો અને ભવ્ય ગુજરાત ફિલ્મફેર એવોર્ડ્સ સાથે તેને કાળજીપૂર્વક જુઓ. આ સૂચવે છે કે ગુજરાત માત્ર ઐતિહાસિક સ્થળોનું જ નહીં, પણ એક ભાવનાત્મક અને સંસ્કૃતિક અનુભવનું પણ પ્રતિક છે.
અક્ષય કુમારની આ યાત્રા ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ, કલા અને પરંપરાઓને દેશભરમાં અને વિદેશમાં પ્રચારિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. 70મા હ્યુન્ડાઇ ફિલ્મફેર એવોર્ડ્સ 2025 પૂર્વે આ પ્રકારની પહેલ ગુજરાતના પ્રવાસન અને સાંસ્કૃતિક વારસાને નવી ઓળખ અપાવવામાં મદદરૂપ થશે, જ્યાં દરેક ખૂણે કંઈક અવિસ્મરણીય અનુભવ રાહ જોઈ રહ્યો છે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
