<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

ગોંડલના મેડીકલ સ્‍ટોર સંચાલક સાથે શેર બજારના નામે ૧ કરોડની ઠગાઇ

રીલ્‍સ જોઇ રહેલા વૃધ્‍ધ ચંદ્રકાંતભાઇ સખિયાએ લિંક પર ક્‍લીક કરતાં વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં એડ થયાઃ પછી ક્રિતીકા જોશી નામની યુવતિએ રોકાણ કરવા લલચાવ્‍યાઃ રાજકોટ ગ્રામ્‍ય સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી

 

રાજકોટ તા. ૬: શેર બજારમાં કમાણીના નામે લાખો કરોડોની ઠગાઇ થતી રહે છે. વધુ એક આવો બનાવ પોલીસ ચોપડે ચડયો છે. જેમાં ગોંડલમાં મેડીકલ સ્‍ટોરના સંચાલક સાથે ૧ કરોડ ૧ લાખની ઠગાઇથઇ છે. મેડીકલ સ્‍ટોર સંચાલક વૃધ્‍ધ મોબાઇલમાં રીલ્‍સ જોતાં હતાં ત્‍યારે શેર બજારમાં ટ્રેડીંગને લગતી રીલ આવી હતી. તેની લિંક પર ક્‍લીક કરતાં તેઓ વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં એડ થયા હતાં. પછી તેમને શેર બજારમાં રોકાણ પર મોટો ફાયદો થશે તેમ જણાવી ક્રિતીકા જોશી નામની યુવતિ સાથે વાત કરવાનું કહેતાં આ યુવતિનો સંપર્ક કરતાં તેણે નવી લિંક મોકલી ગ્રુપમાં એડ કરી ટ્રેડીંગ કરવાનું કહેતાં વૃધ્‍ધે રોકાણ કર્યુ હતું. આ રીતે તેણે ૧ કરોડથી વધુનું રોકાણ કરી નાખ્‍યું હતું. પણ છેલ્લે તેને છેતરાઇ ગયાની ખબર પડી હતી.

આ બનાવમા રાજકોટ ગ્રામ્‍ય સાયબર ક્રાઇમ પોલીસે ગોંડલની ભોજરાજપરા સોસાયટીમાં મારવાડી મિલ કમ્‍પાઉન્‍ડ પાસે રહેતા ચંન્‍દ્રકાંતભાઈ લક્ષ્મણભાઈ સખિયા (ઉ.વ.૫૯)ની ફરિયાદ પરથી ક્રિતીકા જોશી સહિતની વિરૂધ્‍ધ ઠગાઇ, આઇટી એક્‍ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચંદરકાંતભાઇ સખિયાને ગોંડલમાં ચોરડી દરવાજા ઉદ્યોગ ભારતી ચોક પાસે સુરજ મેડીકલ સ્‍ટોર નામથી મેડીકલ સ્‍ટોર છે. તેઓ સગાવ્‍હાલાના સંપર્કમાં રહેવા માટે  વોટસએપ, ફેસબુક, ઇન્‍સટાગ્રામનો ઉપયોગ કરે છે. તેમણે જણાવ્‍યું હતું કે હું ગત જુન મહિનામાં મોબાઈલમાં અલગ અલગ રીલ્‍સ જોતો હતો ત્‍યારે સોશિયલ મીડિયામાં આવેલ એક રીલ્‍સમાં શેર બજારમાં પૈસા રોકાણ કરી મોટો નફો મેળવવાની વાત કરતી રીલ્‍સ એકાદ અઠવાડિયા સુધી જોયેલ હતી.

રીલ્‍સના નીચે શેર બજારમાં ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ગળપમાં જોઈન થવા માટેની લિંક હોય જેના પર ક્‍લિક કરતા એક અજાણ્‍યા વોટ્‍સએપ ગ્રુપમાં તેઓને જોઇન કરેલ હતાં. જે ગુપમાં શેર બજારમાં આઈપીઓમાં રોકાણ કરવાથી ફાયદો થાય છે તેવી ચર્ચા થતી હતી. જેથી આ બાબતે વધુ જાણવાની ઇચ્‍છા થતા તે ગ્રુપમાં મેસેજ આવતા હતા કે વધુ જાણકારી માટે મોબાઇલ નંબર ૯૦૪૧૩ ૬૮૧૧૩ ઉપર ક્રિતિકા જોશી નામની મહિલા સાથે સંપર્ક કરવો. આથી મેં  તા.૨૫/૦૬/૨૦૨૫ના ક્રિતિકા જોશીના મોબાઇલ નંબર પર વોટ્‍સએપ મેસેજથી સંપર્ક કરતાં તેઓએ એક લિંક મોકલેલ હતી. તેમજ તે લીક સાથે રીપ્રેઝેન્‍ટેટિવ ઇન્‍વિટેશન કોડ પણ મોકલેલ હતો. જેથી આ લિંક પર ક્‍લિક કરી તેમાં ખુલેલ ફોમમાં મોબાઇલ નંબર, આધાર કાર્ડ નંબર, પાન કાર્ડ નંબરની વિગત તમામ ડોકયુમેન્‍ટ સ્‍કેન કરી અપલોડ કરી ફોર્મ સબમીટ કરેલ હતા.

 ત્‍યારબાદ આ અજાણ્‍યા વોટ્‍સએપ ગળપમાંથી તેઓને એકિઝટ કરી દીધેલ અને નવા ગ્રૂપ ૧૧૧૧ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ સર્કલ ગળપમાં એડ કરી દિધેલ હતાં. તેમાં પણ શેર બજાર તથા આઈપીઓ સંબંધિત માહિતીઓની ચર્ચા થતી હતી જેમાં અલગ અલગ ગ્રૂપ મેમ્‍બર પોતાને થતા નફા વિશે મેસેજ કરતા હોય જેથી ફરીયાદીને પણ આ બાબતે લાલચ જાગેલ હતી અને આ ગ્રુપમાં અપાતી માહિતી મુજબ ટ્રેડીંગ ચાલુ કરેલ હતુ.  જેમા ક્રિતિકા જોશી નામની વ્‍યક્‍તિએ વોટ્‍સએપ પર મેસેજ કરી અલગ અલગ બેંકના એકાઉન્‍ટ નંબર આપી તેમાં પૈસા ટ્રાન્‍સફર કરવાનું જણાવેલ હતું. જેથી તેઓએ તેમના અને તેમના પત્‍નીના એકાઉન્‍ટમાંથી રૂપીયા ટ્રાન્‍સફર કરેલ હતાં.

જેમાં ક્રિતિકા જોશી નામની વ્‍યક્‍તિએ પોતાની ઓળખ ફાયર્સ ટીમના કસ્‍ટમર કેર એક્‍ઝિકયુટિવ તરીકે આપી અલગ અલગ મોબાઈલ નંબર પરથી વોટ્‍સ એપ પર ચેટ કરી કુલ રૂ.૧.૦૧ કરોડ અલગ અલગ બેંક એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરાવેલ અને આ દરમ્‍યાન રાજીવ મહેતા નામના શખ્‍સે પણ પોતાની ઓળખ ફાયર્સ ટીમના ચિફ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ઓફિસર તરીકે આપી રોકાણ બાબતે વોટ્‍સએપ પર દિલાશો તથા લોભામણી સ્‍કિમો આપી તેમજ પૈસા ન ભર્યેથી તમારી ક્રેડિટ ઓછી થવાથી ભવિષ્‍યમાં આઈ.પી.ઓ. તથા શેર નહિ લાગે તેવું જણાવી આ બાબતે વધારે રોકાણ કરવા મજબૂર કરેલ હતાં. તેમજ આ દરમ્‍યાન અન્‍ય એક વ્‍યક્‍તિ દિપક ખુરાના નામથી વોટ્‍સ એપ ૫૨ ચેટ કરેલ અને પોતે ફાયર્સ ટીમના ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ગળપના ઇન્‍વેસ્‍ટર છે.

તેમજ હાલ પોતે ગુજરાતના કચ્‍છમાં એગ્રિકલ્‍ચરનો બિઝનેશ કરતા હોય તેમજ આ ગળપમાં પણ રોકાણ બાબતે બહુ સારૂ એવુ પ્રોફિટ આપતાં હોવાની જેવી વોટ્‍સ એપ પર વાતો કરેલ અને ફરીયાદીને ફાયર્સ વિઆઈપી ૨૨૨ માર્કેટ ગ્રૂપમાં છેલ્લે એડ કરી તેમાં પણ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ સંબંધી વાતો થતી હોય પરંતુ ફરીયાદીને અંતે તેમની સાથે ફ્રોડ થયેલાનું જણાતા ગઈ તા.૦૮/૦૯/૨૦૨૫ ના સાયબર ક્રાઇમ હેલ્‍પ લાઇન નં.૧૯૩૦ પર ફોન કરી ફરીયાદ નોંધાવતાં રાજકોટ ગ્રામ્‍ય સાયબર ક્રાઈમની ટીમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (૧૪.૭)

(11:41 AM IST)