News of Monday, 6th October 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં શરદપુર્ણિમાની આજે ઉજવણીઃ રાસ-ગરબાની રમઝટ બોલશે
શરદપુર્ણિમાની રાત્રીના દુધ-પૌવાની પ્રસાદીનું મહત્વઃ સોમનાથ સાગર કિનારો અદ્ભૂત ચાંદનીમાં નિખરી ઉઠે છે

રાજકોટ તા. ૬ :.. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે શરદપૂર્ણીમાની ઉજવણી કરવામાં આવશે. આજે રાત્રીનાં રાસ-ગરબાની રમઝટ બોલશે. શરદપૂર્ણીમાની રાત્રીના દૂધ-પૌવાની પ્રસાદીનું વિશેષ મહત્વ છે.
(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ :.. શરદપૂર્ણિમા એટલે શીતળ અમૃતવર્ષા પામવાનો અને પ્રકૃતિ માણવાનો તથા દેવકૃપા મેળવવાનો અમુલ્ય અવસર સોમનાથ-પ્રભાસ પાટણમાં શરદ પૂર્ણીમાએ ઠાકોર મંદિર અને શ્રી દુઃખહરણ મહારાજના મંદિરે શરદપૂર્ણિમા નિમિતે રાત્રે વિશેષ દર્શન યોજાય છે. તો કેટલાક મંદિરોમાં તેની ખુલ્લી પરશાળમાં મોટો અરીસો રાખી તેમાં શરદપૂર્ણીમાના ચંદ્રનું પ્રતિબીંબ ઝીલી તે દેવમૂર્ભિ જોઇ શકે તે રીતે ગોઠવાય છે.
કોઇ-કોઇ મંદિરોમાં દૂધ-પૌવા દર્શનાર્થીઓને પ્રસાદી તરીકે અપાય છે.
શરદપૂર્ણિમા આરોગ્ય-આહાર સ્વાસ્થય વર્ધક માનવામાં આવતું હોવાથી પ્રભાસના ઘણા ઘરોમાં તે દિવસ રાત્રીનું ભોજન રસોડા કે ડાઇનીંગ ટેબલ ઉપર નહીં પરંતુ કુટુમ્બના સૌ ઘરની અગાસીમાં સાથે બેસી બાજુમાં અરીસામાં ચંદ્રના કિરણો ઝીલતી હાજરીમાં દૂધ-પૌવા, પુરી-બટેટાનું શાકનું સમુહ ભોજન લઇ પ્રકૃતિનો અલભ્ય આનંદ માણવાની સાથે શરદપૂનમ મનાવે છે.
કેટલાક લોકો શેરડીના સાંઠાને રાત્રીભર અગાસીમાં રહેવા દઇ ચંદ્રના શીતળ કિરણો તેના ઉપર વરસે છે. તેવી માન્યતા સાથે સવારે તે શેરડી કુટુંમ્બના સભ્યો પ્રસાદી રૂપે આરોગે છે.
પ્રત્યેક માસની પૂનમ વિશેષ મહત્વ ધરાવતી હોય છે અને તે દિવસને કોઇને કોઇ આસ્થા પર્વ સાથે જોડાયેલું હોય છે.
શરદપૂર્ણીમાની રાત્રે વેરાવળના લોકો સમુદ્રી ચોપાટી ઉપર ઘેરેથી બનાવેલા ભોજન સાથે સપરિવાર મિત્રો સાથે જાય છે. અને અલકમલક વાતો કરી સાગર અને શશી સાનિધ્યે કુટુંમ્બ-કે મિત્ર સમુહ ભોજન કરે છે.
પ્રભાસની કથામાં પણ ચંદ્રનો ઉલ્લેખ છે. જેમાં ચંદ્રને અપાયેલ શાપનું નિવારણ અહીં જ ભગવાન શંકરની આરાધના કરી હતી. જેથી પોતાનું તેજ ફરી પ્રાપ્ત કર્યુ હતું. અને ચંદ્ર દ્વારા સ્થાપિત સ્વયંભૂ શિવલિંગ સોમનાથને નામે પ્રસિધ્ધ છે.
પ્રભાસના દાદા-દાદીઓ કહેતાં કે ઉપર દેખાય તે આ ‘ચાંદા મામા' છે તે વાત હવે સુપ્ત થવા પામી છે. તો ચંદ્રમાં ઉપર અનેકો ફિલ્મોમાં અઢળક ગીતો લખાયાં કે ગવાયાં તે પણ ભૂતકાળ બન્યો છે.
લોકસાહિત્યમાં ચંદ્રમાં ઉપર લખાયેલા ગીતો ગામડાના પાદરમાં બહેનોનના નરવા કંઠે કયાંક-કયાંક ગવાઇ લોકસંસ્કૃતિનો ધબકાર જીવાડી રહ્યા છે. (પ-૧૪)
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
