<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

ધોરાજીથી ફરેણી રોડ બનવાની કામગીરીમાં લોટ, પાણીને લાકડા, નબળા કામની ક્ષતિ કોંગ્રેસે ઉઘાડી પાડી

નબળા કામની લોક ફરિયાદને લઈ લલિત વસોયા સ્‍થળ પર દોડી ગયાઃ પ્રથમ લેયર બાદમાં માત્ર કલાકોની અંદર જ રસ્‍તા પરથી કાંકરીઓ ઉખડવા લાગી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૬: તાલુકાના ફરેણી ગામેથી ધોરાજી શહેરને જોડતો નવો ડામર રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવતાની સાથે જ નબળા કામની પોલ ખુલી જતા રોડ ના રાહદારીઓ અને ખેડૂતો એ પૂર્વ ધારાસભ્‍ય લલિત વસોયાને ફરિયાદ કરતા લલિત વસોયા અને કોંગ્રેસ ટીમ સ્‍થળ પર પહોંચી નબળી કામગીરી ખુલ્લી પાડી હતી. અને નબળા કામના વિડિયોગ્રાફી મુખ્‍યમંત્રી અને સંબંધિત વિભાગમાં મોકલી આપી હતી. તેમજ અધિકારીને ફોન પર તતડાવી નાખ્‍યા હતા.

અને જણાવેલ કે રોડ પર ડામરની પ્રથમ લેયરમાં બિલકુલ ડામર જ નથી. અને હાથ વડે ડામર ઉખડી જાય છે. માત્ર કાંકરી જ પાથરી દેવામાં આવી છે કાંકરીની સાથે ડામરનું નામો નિશાન દેખાતું નથી. અધિકારીએ જણાવેલ કે વરસાદને કારણે આવું બન્‍યું હોય. વરસાદને કારણે રસ્‍તા પર પાથરવામાં આવેલો ડામર જો થોડા કલાકોમાં જ નીકળી જતો હોય તો પછી વર્ષો સુધી આ રોડ કેવી રીતે ટકી શકે તેના પર સવાલ ઉભો થાય છે.

વસોયાએ અધિકારીને જણાવેલ કે તાત્‍કાલિક કામ રોકી દેવામાં આવે અને નવેસરથી પ્રથમ લેયર નું કામ શરૂ કરવામાં આવે. જોકે રોકવાને બદલે ઉલટાનું બમણી ગતિથી રાત્રિ દરમિયાન પણ કામ શરૂ કરી દેવામાં આવ્‍યું હતું.

આ વિસ્‍તારના ખેડૂતો વસંત ભાઈ હીરપરા, પોપટ ભાઈ સહિતના ખેડૂતોએ જણાવ્‍યું હતું કે ફરીને રોડ પરનું કામ અત્‍યંત નબળું અને હલકી ગુણવત્તા ભર્યું  થઈ રહ્યું છે જે મામલે પૂર્વ ધારાસભ્‍ય લલિત વસોયાએ સ્‍થળ પર આવી કામમાં થતી ગેરીતી ઉઘાડી પાડી હતી અને કામ બંધ કરવા અધિકારીને જણાવેલ પરંતુ તેમ છતાં રાતોરાત નબળા કામને છુપાવવા માટે ઉપર બીજી લેયર મારી દેવામાં આવી હતી.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍ય લલિત વસોયાએ જણાવેલ કે થોડા સમય પહેલા જુનાગઢ રોડ પર આ કોન્‍ટ્રાક્‍ટર દ્વારા માત્ર કાંકરી પાથરી દેવામાં આવી હતી, જે ભ્રષ્ટાચાર પણ કોંગ્રેસ દ્વારા ઉઘાડો થયો હતો અને મીડિયામાં નબળા કામની ગેરરીતી છતી થઈ હતી ત્‍યારે ભાજપના જ વર્તમાન ધારાસભ્‍ય અને જિલ્લા ભાજપના આગેવાન દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્‍યું હતું કે કોન્‍ટ્રાક્‍ટર નબળી કામગીરી કરી હોય તો તેને બ્‍લેકલિસ્‍ટ કરવામાં આવશે પરંતુ હાલ ફરેણી રોડ પરનું કામ પણ એ જ કોન્‍ટ્રાક્‍ટર કરી રહ્યા છે જેમણે જુનાગઢ રોડ પર નબળી કામગીરી કરી હતી. કોન્‍ટ્રાક્‍ટરને બ્‍લેકલિસ્‍ટ કરવાની બદલે ઉલટાનું નવા નવા રોડના કામો આપવામાં આવે છે તે આヘર્ય જનક છે.

ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખે અત્‍યંત હલકી ગુણવત્તાનું કામ થતું હોવાનું જણાવેલ અને ભાજપના શાસનમાં હાલ જ્‍યાં જ્‍યાં ધોરાજી શહેરમાં રોડ રસ્‍તાની કામગીરી ચાલી રહી છે તે તમામ રસ્‍તામાં લોટ પાણી ને લાકડા જેવું કામ થઈ રહ્યું છે જેની સામે જનતામાં ભારે રોષ છે તેવું પણ જણાવ્‍યું હતું. ધોરાજી થી ફરેણી ને જોડતા માર્ગને નબળી કામગીરીને લઈ આ વિસ્‍તારના રહીશો અને ખેડૂતોમાં પણ રોષ અને નારાજગી જોવા મળી રહી છે.

(12:22 PM IST)