News of Tuesday, 7th October 2025
વડીલો માટે ધરતી પરનું સ્વર્ગ એટલે ભાવનગર વૃધ્ધાશ્રમ

રાજકોટઃ આપણે સૌ મૃત્યુ બાદ સ્વર્ગ કે નર્કની કલ્પના કરીએ છીએ, પરંતુ હકીકત તો સ્વર્ગ કે નર્ક અહીં પૃથ્વી પર જ છે. હાલમાં લોકોની જીવનશૈલી જ એવી થઈ ગઈ છે કે યુવાન પતિ-પત્નિ બંને જોબ કરતા હોય છે, પરિણામે તેઓ ઘર ઉપર તથા ઘરના વડીલો પ્રત્યે દુર્લક્ષ સેવતા થઈ ગયા છે. પરિણામે ઘરના વૃધ્ધ વડીલો એકલતાની અને ઉપેક્ષાની લાગણી અનુભવે છે. તેમની સાથે સુખ-દુઃખની બે વાતો કરવાવાળુ કોઈ હોતુ નથી. આ પરિસ્થિતિમાં વૃધ્ધાશ્રમ એ જ ખેક વિકલ્પ રહેતો હોય છે.
ભાવનગર વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ ગુજરાતના શ્રેષ્ઠ વૃધ્ધાશ્રમો માટેનું એક છે. વડીલોની કાળજી બાબતમાં અને ખાસ કરીને ગરીબ પરિવારના વયોવૃધ્ધ માટે ભાવનગરનું વૃધ્ધાશ્રમ એક આદર્શ અને નમુનારૂપ સંસ્થા છે. વૃધ્ધોની શારીરિક, માનસિક, બૌધ્ધિક, આધ્યાત્મિક જરૂરીયાતો પુરી પાડી તેમને આનંદમય જીવન જીવવાની પ્રેરણા આપવી એવી ભાવના આ વૃધ્ધાશ્રમનું મુખ્ય ધ્યેય છે. સંસ્થાના તમામ ટ્રસ્ટીશ્રીઓ તેમજ સંસ્થાના સ્ટાફ ભાઈઓ-બહેનો વડીલોની સાર-સંભાળ લેવા માટે પ્રતિબધ્ધ છે. અહીં વડીલોની પ્રાથમિક જરૂરીયાતો, સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમો, રમત-ગમત ની પ્રવૃત્તિઓ, પોષણયુક્ત આહાર તથા સ્વાસ્થ્યની કાળજી માટે ડોકટરની સુવિધાઓ પુરી પાડવામાં આપતી હોવાનું એક લેખિત યાદીમાં જણાવાયું છે.
સંસ્થાની સ્થાપના સન ૧૯૯૯માં ભાવનગર શહેરના સામાજિક કાર્યના અગ્રણી એવા શ્રી માનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. પરોપકારી દાતાશ્રીઓની મદદ અને સહકારથી વૃધ્ધોની કાળજી અને સેવાનું બીજ તેમના દ્વારા રોપાયુ હતું. જે આજે મોટુ વટવૃક્ષ થઈને ખૂબ જ મહત્વની અગ્રણી સંસ્થા બની ચુકી છે. જેની સુવાસ સમગ્ર ભારતભરમાં પ્રસરી છે.
ભાવનગર વૃધ્ધાશ્રમની શરૂઆત માત્ર ૧૦ સભ્યોથી થઈ હતી, ત્યારબાદ જરૂર જણાતા ૨૦૦૪ ની સાલમાં આધુનિક સુવિધાવાળી બીજી નવી ઈમારત બનાવવામાં આવી જે જીવનસંધ્યા સુશ્રુષાધામના ધામથી કાર્યરત છે. અહીં જુના અને નવા વૃધ્ધાશ્રમમાં કુલ ૨૫૦ જેટલા વડીલો રહે છે. વૃધ્ધોની સેવા કાળજીની આ પ્રશસનીય યાત્રા પાંચ દાયકા વટાવી ચુકી છે. સંસ્થાના દરેક ટ્રસ્ટીશ્રીઓની અંગત દેખરેખ, ઉદાર દાતાશ્રીઓના સહકાર તથા કર્મચારીઓની ફરજનિષ્ઠ કામગીરીથી સંસ્થા ખૂબ જ ઉમદા કાર્ય કરી રહી હોવાનું પણ આ યાદીમાં જણાવાયું છે.
સંસ્થામાં બંને વૃધ્ધાશ્રમોમાં લાઈબ્રેરી મોટી સંખ્યામાં પુસ્તકોથી ભરેલી છે. આમા ધાર્મિક પુસ્તકો, વાર્તાના પુસ્તકો, કવિતાઓ, નવલકથાઓ દરેક સાહિત્ય ઉપલબ્ધ છે. ભોજનાલયમાં વડીલોને આરોગ્યપ્રદ વાતાવરણમાં પૌષ્ટિક, તાજુ અને ગરમાગરમ ભોજન પીરસવામાં આવે છે. જેમાં જૈન થાળી, મરચા વગરની મોળી રસોઈ તેમજ રેગ્યુલર ટેસ્ટની થાળી પિરસવામાં આવે છે. રસોઈ બનાવનાર સ્ટાફ બહેનો વડીલોને પ્રેમથી આગ્રહ કરીને જમાડે છે. વડીલોને રોજ સવારે ચા-નાસ્તો, રાત્રે સુતી વખતે અમુલનું દૂધ આપવામાં આવે છે. અહીંના રૂમો તમામ પ્રકારની સગવડતાવાળા છે. વૃધ્ધાશ્રમમાં વિશાળ પ્રાંગણ આવેલું છે. જયાં બગીચામાં વડીલો માટે હિચકા મુકવામાં આવ્યા છે. આ પ્રાંગણમાં અવારનવાર ગીત-સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો તથા દરેક તહેવારો જમે કે નવરાત્રીમાં દાંડીયારાસ નવ દિવસ માટે થાય છે. ૧લી ઓકટોબર વૃધ્ધ દિન નીમીત્તે વિવિધ પ્રકારની રમતો વૃધ્ધો અહી રમે છે. ૧૫મી ઓગસ્ટ એ ધ્વજવંદન અહીં વડીલોના હસ્તે કરાવવામાં આવે છે. આશ્રમવાસીઓના સગા-સંબંધી માટે રહેવા માટે રેસ્ટરૂમની અહીં વ્યવસ્થા છે.
ભાવનગર વૃધ્ધાશ્રમ ને તેની શ્રેષ્ઠ કામગીરી માટે ૨૦૦૬ ની સાલમાં નવી દિલ્હી ખાતે તે વખતના વડાપ્રધાન શ્રી આઈ.કે. ગુજરાલ ના વરદ્ હસ્તે ‘‘રોટરી ઈન્ડિયા એવોર્ડ ૨૦૦૫'' નો પ્રતિષ્ઠિત એવોર્ડ તે સમયના મંત્રીશ્રી હર્ષદભાઈ શેઠ ને આપવામાં આવ્યો હતો. હર્ષદભાઈ શેઠ કે જેઓ વૃધ્ધાશ્રમની શરૂઆત થઈ ત્યારથી લઈને હજુ આજની તારીખે ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. તેમની આ સેવા તેમના માટે અને ભાવનગર વૃધ્ધાશ્રમ માટે એક ગૌરવપૂર્ણ ઘટના છે.
હાલમાં જુનુ વૃધ્ધાશ્રમ જર્જરીત થઈ ગયુ હોવાથી ટ્રસ્ટીમંડળ દ્વારા રૂા. ૧૫ કરોડના ખર્ચે નવું આધુનિક વૃધ્ધાશ્રમનું બિલ્ડીંગ બની રહ્યું છે આ માટે સંસ્થાને રૂા. ૧૨ કરોડ ઉદાર દાતાશ્રીઓ તરફથી મળી ગયેલ છે. સંસ્થાને હજુ ૩ કરોડના અનુદાનની જરૂર છે. આ સદ્કાર્યમાં સહુ કોઈ યથાશક્તિ અનુદાન આપી સેવારૂપી યજ્ઞમાં જોડાઈ શકો છો. હાલ પ્રમુખ શ્રી નીલાબેન ઓઝા તથા મંત્રીશ્રી બુધાભાઈ પટેલ વૃધ્ધાશ્રમની બાગદોડ સૌ ટ્રસ્ટીઓને સાથે રાખી સુંદર રીતે ચલાવી રહ્યા હોવાનું પણ જણાવાયું છે.
વધુમાં ભાવનગર વૃધ્ધાશ્રમ દ્વારા એવા વડીલો કે જેઓ પોતાના ઘરે રહે છે, પરંતુ રસોઈ કરવા માટે અશકત હોય, અસમર્થ હોય તેઓને સવાર-સાંજ બંને સમય ઘર બેઠા એકદમ વ્યાજબી દરે ટીફીન પહોંચાડવામાં આવી રહ્યું છે. કોઈપણ વૃધ્ધ વડીલો આ ટીફીન સેવાનો લાભ લઈ શકે છે. ભાવનગરમાં હાલમાં રોજ ૩૦૦ થી વધુ ટીફીન ભાવનગરના અલગ-અલગ વિસ્તારોમાં પહોંચતા કરવામાં આવી રહ્યા છે.(૪૦.૧૭)
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
