News of Tuesday, 7th October 2025
મૂળીના ગઢાદ પાસેથી ખનીજચોરીમાં ઝડપાયેલા વાહનો લાવતા સમયે ટ્રેક્ટર-જનરેટર ચોરાયા

વઢવાણ, તા. ૭: મુળીતાલુકાના ગઢાદ પાસેથી ખનીજચોરીમાં ઝડપાયેલા વાહનો-મુદમાલ લઇ જવાતા સમયે ખનીજ માફીયા દ્વારા એક ટ્રેકટર-જનરેટર ચોરી કરી લઇ જવાતા પોલીસ ફરીયાદ નોંધાઇ છે જ્યારે ખનીજ વિભાગ દ્વારા મુળી બાયપાસ પાસે ચેકીંગ દરમ્યાન ગેરકાયદેસર ખનીજના ૯ ડમ્પરો ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
સાયલા પોલીસ દ્વારા ચોરવીરાની સીમમાં થતી ખનીજચોરી સ્થળે રેડ કરી હતી.રેડ દરમ્યાન પોલીસે ૮ ટ્રેકટર,૬ જનરેટર,૨૦ પાઇપ અને ૮ બકેટ સહિત લાખો રૂપીયાનો મુદમાલ જપ્ત કરી સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગને જાણ કરી હતી. સુરેન્દ્રનગરથી ખનીજ વીભાગની ટીમે રોજકામ કરી આ ઝડપાયેલો મુદમાલ સુરેન્દ્રનગર કચેરીએ લઇ જવાતો હતો.એવામાં મુળી તાલુકાના ગઢાદ ગામની સીમમાંથી આ મુદામાલ લાવતા સમયે એક ટ્રેકટર-જનરેટર કોઇ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરી લઇ જવાયો હતો.
આ બાબતની ખાણખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર યુવરાજદાન ગઢવી દ્વારા અજાણ્યા શખ્સ સામે મુળી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ દાખલ કરાઇ છે.બીજી તરફ ખાણખનીજ અધિકારી જીગ્નેશ વાઢેરે ચોરી થયેલ ટ્રેકટરની વિગતો તપાસ કરાવતા આ ટ્રેકટર વાંકાનેર તાલુકાના કાશીપર ગામના ચંપાબેન ચોડાભાઇ ધોરીયાનું હોવાનું જાણવા મળ્યુ છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
