News of Tuesday, 7th October 2025
વાંકાનેરમાં સવા ઇંચ વરસાદ : સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી સવારે ઠંડકનો ચમકારો
જો કે બપોરના સમયે અસહ્ય ઉકળાટ યથાવત

વાંકાનેરમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીર : લિતેશ ચંદારાણા, વાંકાનેર)
રાજકોટ, તા. ૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી સવારે ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે. જયારે બપોરના સમયે ગરમીની અસર વર્તાય છે.
વાંકાનેર
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેરઃ વાંકાનેર તથા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા છ દિવસથી દરરોજ સાંજે પડયે વાતાવરણમાં પલ્ટો આવે ને મેઘરાજા સાતામાં નોરતાથી નિયમિત હાજરી પુરાવા પહોંચી જાય છે.
કાલે મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી વીજળીના કડાકા-ભડાકા સાથે સાંજે પોણા પાંચ વાગ્યે પધરામણી કરતા સતત દોઢ કલાક ઘડબડાટી બોલાવી સવા ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને ઠેક-ઠેકાણે નિચાણવાળા વિસ્તારમાં વરસાદ પાણી ભરવા લાગ્યા હતા.
આ પાછોતરા વરસાદથી ખેડુતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. આ ઉપરાંત મચ્છુ ડેમ-૧ પણ હાલ ૦-૧૦ ઇંચ ઓવરફલો થઇ રહ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારોના રહીશોના જીવ પડીકે બંધાઇ ગયા છે. હાલ શહેરમાંથી પસાર થતી મચ્છુ નદી પણ બે કાંઠે વહી રહી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૪.પ સે.ગ્રી., મહતમ તાપમાન ૩ર સે.ગ્રી., ભેજનું પ્રમાણ ૯૦ ટકા, પવનની ગીત ૮.૭ કિ.મી. રહી હતી.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
