News of Tuesday, 7th October 2025
લોધીકાના નગરપીપળીયા ગામે પ્રેમલગ્નનો ખાર રાખી રાજકોટના બેભાઇઓ ઉપર ધોકાથી હુમલો
નગરપીપળીયાના પાંચ શખસો સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા. ૭ : લોધીકાના નગરપીપળીયા ગામે પ્રેમલગ્નનો ખાર રાખી રાજકોટના બે ભાઇઓ ઉપર પાંચ શખ્સોએ ધોકાથી હુમલો કર્યો હતો.
મળતી વિગત મુજબ રાજકોટમાં અંબિકા ટાઉનશિપમાં સહજાનંદ પાર્ક ઇસ્કોન હાઈટ્સની બાજુમાં રહેતા મોહિતભાઈ વિઠ્ઠલભાઈ ઘાડિયા(ઉં.વ.૩૦) નામના યુવાન દ્વારા મેટોડા જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે નગરપીપળિયામાં રહેતા દિનેશ ખૂંટ, નીરવ ખૂંટ, પરેશ ખૂંટ, અક્ષય ખૂંટ અને ગૌતમ ખૂંટના નામ આપ્યા છે. મોહિતભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે કિચનવેરનો વેપાર કરે છે. ગત તા.૦૪/૧૦ના તે તેના મિત્ર રાહુલ ખૂંટના ઘરે નગરપીપળિયા ગામે રામામંડળમાં જમવા ગયો હતો. યુવક રાતે જમવા માટે આવ્યો હતો ત્યારે તેને ગામમાં દૂધ લેવા માટે મોકલ્યો હતો. દૂધ લઈને પરત આવતો હતો ત્યારે રસ્તામાં આ જ ગામના દિનેશભાઈ નાથાભાઈ ખૂંટ દારૂ પીધેલી હાલતમાં તેની પાછળ આવ્યા હતા. અને તેના નાના ભાઈ વિકીનને તાત્કાલિક બોલાવવાનું કહી ધોકાથી ફટકાર્યો હતો. યુવકે તેના નાના ભાઈ વિકીનને બોલાવતા જ અન્ય આરોપીઓએ તેને પકડી રાખી નાનાભાઈ વિકીનને જેમ ફાવે તેમ ગાળો ભાંડી ધોકાથી માર માર્યો હતો.
યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આ બનાવનું કારણ એ છે કે, તેના નાનાભાઈ વિકીને દિનેશભાઈની દીકરી સાથે લવમેરેજ કર્યા હતાં. જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.(૯.ર૦)
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
