News of Wednesday, 8th October 2025
જૂનાગઢ રહેતા ભાઈના ધંધા માટે ભુજમાં રહેતી બહેને કિટી પાર્ટીની મહિલા સખીઓ પાસેથી વ્યાજે પૈસા લીધા બાદ પઠાણી ઉઘરાણી
૧૭ લાખના ૨૭ લાખ ચૂકવ્યા બાદ પઠાણી ઉઘરાણીથી આપઘાતનો પ્રયાસ, ભાઈના મોત બાદ નાણાકીય પરિસ્થિતિ વણસી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ : ગેરકાયદેસર રીતે વ્યાજ વટાવ નો ધંધો કરી ઊંચું પઠાણી વ્યાજ વસૂલનારાઓ સામે ફરિયાદ અને કાયદેસર કાર્યવાહીના સમાચારો ઘણીવાર ચર્ચામાં રહે છે. ઘણીવાર આ કારણે આત્મહત્યા જેવા બનાવો પણ બને છે. વ્યાજના આવા જ દૂષણમાં ફસાયેલ ભુજના પ્રમુખસ્વામી નગરમાં રહેતા કોમલબેન હિતેશ ઠક્કરે આપઘાતના પ્રયાસ બાદ પઠાણી વ્યાજની વસૂલાત કરનાર પોતાની કિટી પાર્ટીની મહિલા મિત્રો સામે પોલીસ ફરિયાદ કરી છે. ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મીરઝાપર (ભુજ) ના યોગેશ્વરીબેન ઉર્ફે ટીનાબેન કિશોર જણસારી, પ્રમુખસ્વામી નગરના જીજ્ઞાબેન રાજેશ ઠક્કર અને નીતાબેન ગૌતમ ગજરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. પોતાના જુનાગઢ રહેતા ભાઈ રાહુલ કિશોર કોટક ના અગરબત્તીના ધંધા માટે બહેન કોમલબેને પોતાની કિટી પાર્ટીની સખીઓ યોગેશ્વરી બેન પાસેથી ૫.૫૦ લાખ વ્યાજે લઈ ૯.૪૬ લાખ રૂપિયા ચૂકવ્યા, જીજ્ઞાબેન પાસેથી ૧૦ લાખ વ્યાજે લઈ ૧૫.૬૫ લાખ ચૂકવ્યા, નીતાબેન પાસેથી ૧.૫૦ લાખ વ્યાજે લઈ ૨.૫૦ લાખ ચૂકવ્યા આમ કુલ ૧૭ લાખ રૂપિયા લઈ ૨૭ લાખ રૂપિયા ચૂકવી દીધા. જે ભાઈ માટે રૂપિયા લીધા હતા તેમનું અવસાન થયું હતું. દરમ્યાન કોમલબેન પાસેથી પઠાણી ઉઘરાણી કરાતા તેમણે આપઘાતનો પ્રયાસ કરી ૧૭ લાખ સામે ૨૭ લાખ ચૂકવ્યા બાદ માનસિક ટોર્ચર કરાતું હોવાની પોલીસ ફરિયાદ પોતાની કિટી પાર્ટીની ત્રણેય સખીઓ વિરુદ્ધ લખાવી છે. પોલીસે ત્રણેય મહિલાઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
(9:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
