<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

ચોટીલામાં કલ્‍પેશભાઇ કોરડીયાનું ‘હિટ એન્‍ડ રન'માં મૃત્‍યુઃ કામેથી ઘરે આવતી વખતે બનાવ

૩૫ વર્ષના યુવાને સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૮: ચોટીલામાં હિટ એન્‍ડ રનના બનાવમાં યુવાનનું મોત થયું છે. પાંત્રીસ વર્ષનો યુવાન મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. મજુરી કામ પુરૂ કરી બાઇક હંકારી ઘરે આવતો હતો ત્‍યારે કોઇ કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ ચોટીલા મફતીયાપરામાં રહેતનો કલ્‍પેશભાઇ રાજુભાઇ કોરડીયા (ઉ.વ.૩૫) પરમ દિવસે તા. ૬ના રાતને સાડા બારેક વાગ્‍યે બાઇક હંકારીને ચોટીલા આવાસ યોજના ક્‍વાર્ટર નજીકના રોડ પરથી ઘર તરફ આવી રહ્યો હતો ત્‍યારે કોઇ અજાણ્‍યો કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. ગંભીર ઇજા થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. અહિ આજે સવારે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા સહિતે ચોટીલા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર કલ્‍પેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાનો તથા અપરિણીત હતો. તે ટ્રેકટરમાં મજૂરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. પરમ દિવસે કામ પુરૂ કરી ઘરે આવતો હતો ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. ચોટીલા પોલીસે અકસ્‍માત સર્જી ભાગી ગયેલા વાહનચાલક અંગે તપાસ હાથ ધરી છે.

(11:33 AM IST)