News of Wednesday, 8th October 2025
ભાવનગરમાં સોની વેપારીએ ગ્રાહકો પાસેથી રૂ.૨૦.૪૮ લાખ મેળવી દુકાન બંધ કરી દીધી
ગોળબજારમાં આવેલ ખોડિયાર જવેલર્સના માલિકે ૧૦ ગ્રાહકો પાસેથી ઘરેણાં બનાવવા માટે એડવાન્સ રકમ મેળવી કરી છેતરપિંડી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૮ :.. તરસમીયા રોડ,શેરી નં ૦૪,માધવ રેસીડેન્સીમાં રહેતા અને ટોટલ ઓઈલ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા પ્રવીણભાઈ મગનભાઈ ગોહિલ શહેરની ગોળબજારમાં આવેલ ભાવેશભાઈ કનૈયાલાલ લુંભાણીની ખોડિયાર જવેલર્સ નામની દુકાનમાં પોતાના પરિવાર માટેના ઘરેણાં બનાવડાવતા હતા અને ભાવેશભાઈ સાથે પરિચયમાં હતા.પ્રવીણભાઈના દીકરા મહાદીપના પત્ની ચેતનાબેન ગુજરી ગયેલ હોવાથી તેમનો જુનો સોનાનો હાર નવો બનાવવાનો હોવાથી પ્રવીણભાઈ અને તેનો પુત્ર મહાદીપ ગત તા.૨૫ જૂનના રોજ ખોડિયાર જવેલર્સના ગયા હતા અને જૂનો હાર વેચીને નવો હાર બનાવવાની વાત કરી હતી.જુના હારની બજાર કિંમત રૂ.૧,૭૩,૦૦૦/- થતી હોય,પ્રવીણભાઈ એ હાલ નાણાંની જરૂર હોવાથી રૂ.૯૩,૦૦૦/- રોકડા લીધા હતા અને રૂ.૮૦,૦૦૦/- નવો હાર બનાવવા માટે જમા રાખ્યા હતા.ગત તા.૨૯ સપ્ટેમ્બરના રોજ નવો હાર બનાવવા માટે ભાવેશભાઈની દુકાને ગયા હતા ત્યારે દુકાન બંધ હતી અને તેમનો મોબાઇલ ફોન પણ બંધ આવતો હતો.
બે દિવસ બાદ ફરી તપાસ કરતા દુકાન બંધ હતી.આ વેપારી અંગે આજુબાજુમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,ભાવેશ લુંભાણી ઘણા ગ્રાહકોના ઘરેણા પોતાની પાસે રાખીને પૈસા લઈને ફરાર થઈ ગયો છે.પ્રવીણભાઈ ગોહિલે તપાસ કરતા વેપારી અન્ય ૦૯ જેટલા ગ્રાહકોના રૂપિયા મેળવી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળતા તેમણે ખોડિયાર જવેલર્સના માલિક વિરુદ્ધ ગ્રાહકો સાથે રૂ ૨૦,૪૮,૮૦૦/- ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
છેતરપિંડી જેની સાથે કરી તેમાં સિદ્ધરાજસિંહ હેમુભા ગોહિલ રહે. રામણકા,તા.ઉમરાળા રૂ.૧,૯૦,૦૦૦/- દેવુબેન કાનાભાઈ બરબરિયા રહે.રાજપરા ખોડિયાર,તા.સિહોર રૂ.૩,૫૭,૦૦૦/- શંકરભાઈ રામજીભાઈ મકવાણા રહે.રાજપરા ખોડિયાર,તા.સિહોર રૂ.૧,૫૦,૦૦૦/- દર્શનભાઈ રમણીકભાઇ સરવૈયા રહે.ટાણા તા.સિહોર રૂ.૧,૯૦,૦૦૦/- લાલજીભાઈ વશરામભાઇ પરમાર રહે.શામપરા ખોડિયાર,તા. ભાવનગર રૂ.૩,૦૦,૦૦૦/- ઇબ્રાહીમભાઇ રસુલભાઇ તૂર રહે.જુના પાદર,તા.ઘોઘા રૂ.૩,૧૯,૦૦૦/ કિરણભાઈ દોલતસિંહ પરમાર રહે.ચિત્રા,ભાવનગર રૂ.૮૪,૬૦૦/- નીતેશ આણંદભાઈ ધંધુકિયા રહે.સાંકડાસર તા.તળાજા રૂ.૧,૮૭,૨૦૦/- મનીષભાઈ ભવાનભાઈ સોંડાગર રહે.તણસા તા.ઘોઘા રૂ.૨,૦૦,૦૦૦/- નો સમાવેશ થાય છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
