News of Wednesday, 8th October 2025
‘વોકલ ફોર લોકલ'થી ફરી આશાનું કિરણ દેખાયુઃ માટીના કારીગર મનોજભાઇ
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન

પોરબંદર, તા. ૮: મહાનગરપાલિકા દ્વારા ‘વોકલ ફોર લોકલ' મેળાનું આયોજન; સ્થાનિક કારીગરોને મફત પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવી રહયું છે. ચાઈનાની વસ્તુઓથી ધંધો ઠપ થયો, હવે ‘વોકલ ફોર લોકલ'થી ફરી આશાની કિરણ દેખાઈ છે તેમ મનોજભાઈ જગતિયા (માટીકાર કારીગર) એ જણાવ્યું હતું.
મહાનગરપાલિકામાં એન્યુએલએમ મેનેજર તરીકે ફરજ બજાવતા આરતીબહેન ત્રિવેદીના જણાવ્યા મુજબ, આ મેળામાં સ્થાનિક કારીગરોને વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવશે. આ પ્લેટફોર્મ થકી કારીગરોને પોતાની કલા બીજા લોકો સુધી પહોંચાડવાની તક મળશે અને લોકોને ઓનલાઇન કે વિદેશી વસ્તુઓ વાપરવાને બદલે સ્વદેશી અને સ્થાનિક સ્તરે ગામમાં મળતી વસ્તુઓ વાપરવા માટે પ્રોત્સાહન મળશે. આ સમગ્ર કામગીરી પોરબંદર મનપાના કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.
આ મેળાનું આયોજન એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે સ્થાનિક ઉદ્યોગો વિદેશી વસ્તુઓના પ્રભાવ હેઠળ સંઘર્ષ કરી રહ્યા છે. પોરબંદર શહેરના નવા કુંભાળ વિસ્તારના રહેવાસી મનોજભાઈ ગોવિંદભાઈ જગતિયા, જેમના પરિવારનો માટીકામનો ધંધો બાપ દાદાના વખતથી ત્રીજી પેઢીથી ચાલી રહ્યો છે, તેમણે આ પહેલ પર ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેઓ માટીના ગરબા, કોડીયા, ઘડા અને રમકડાં જેવી ઘણી વસ્તુઓ બનાવે છે. તેમણે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે ચાઈનાના કોળિયા, દીવા અને ગરબા બજારમાં આવવાને કારણે તેમનો જૂનો ધંધો ધીમે ધીમે મંદ પડવા માંડ્યો છે અને હવે લુપ્ત થવા માંડયો છે, જેના કારણે નવી પેઢી આ કામ શીખતી નથી.(૬.૩)
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
