<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

રાજકોટની એઇમ્સ હોસ્પિટલના ઉપક્રમે પોરબંદરમાં શનિવારે મેગા મેડિકલ કેમ્પ

સુવ્યવસ્થિત આયોજન માટે રાજ્યસભાના બે સાંસદ રામભાઈ મોકરીયા તથા કેસરીદેવસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાઇ બેઠક:ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ખાતે શનિવારે યોજાશે સેવાયજ્ઞ:નિષ્ણાંત તબીબો અને અત્યાધુનિક સુવિધાઓનો લાભ પોરબંદરવાસીઓને ઘર આંગણે મળી રહેશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૦

રાજકોટની એઇમ્સ હોસ્પિટલના ઉપક્રમે તા. 11 ને શનિવારે પોરબંદરમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના આયોજન અંગે વિશિષ્ટ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. 

રાજકોટની એઇમ્સ હોસ્પિટલ દ્વારા પોરબંદરમાં યોજાનારા મેડિકલ કેમ્પની પુર્વ તૈયારી માટે પોરબંદરની સેવાભાવી સંસ્થાઓ સાથે એક અગત્યની મીટીંગ યોજાઈ હતી,આ મિટિંગમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા તથા રાજકોટની એઈમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર તથા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા,પાયોનીયર ક્લબ ઓફ પોરબંદરના પ્રવીણભાઈ ખોરવા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી તથા જિલ્લાના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની પોરબંદર જિલ્લા શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા અને પ્રવીણભાઈ ખોરવા દ્વારા જણાવાયું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રના લોકોને આરોગ્યની સુખાકારી માટે રાજકોટના આંગણે આંતરરાષ્ટ્રીય કક્ષાની એઈમ્સ હોસ્પિટલ ફાળવી છે ત્યારે આ એઈમ્સ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોનો તથા  અત્યાધુનિક સુવિધાઓનો લાભ પોરબંદરના લોકોને પોતાના શહેરમાં મળી રહે તે માટે રાજકોટની એઈમ્સ હોસ્પિટલ દ્વારા પોરબંદરની ડો.વી.આર. ગોઢાણીયા કોલેજ ખાતે સવારે 8:30 કલાકથી તા.૧૧.૧૦.૨૦૨૫ અને શનિવારના રોજ સર્વરોગ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે,આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે તેમજ છેવાડાનો કોઈપણ જરૂરીયાતમંદ દર્દી આ લાભથી વંચિત ન રહી જાય તે માટે રામદેવભાઈ મોઢવાડિયા તથા પ્રવીણભાઈ ખોરાવા, લાખણશીભાઈ ગોરાણીયા અને ધર્મેશભાઈ પરમારએ લાભ લેવા અપીલ કરી છે.

નિષ્ણાંત તબીબો આપશે સેવા

આ કેમ્પમાં રાજકોટની એઈમ્સ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોમાં ઓફસ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજી ડો.મધુ તથા ડો. કરિશ્મા,પલ્મોનરી મેડિસિન ડો.અરૂણ વિષ્ણુ, ડર્મેટોલોજી ડો.સાંઈ ક્રિષ્ના,ઓર્થોપેડિક ડો.હર્ષ તથા ડો.પાર્થ, જનરલ મેડિસિન ડો.દીપક,રેડિયેશન ઓન્કોલોજી ડો.સમર્થ એચ ઓઝા, પીડીયાટ્રીક ડો.ડીસા ડી કલોલા તથા ડો.યજ્ઞદીપ, ઓપ્થેલમોલોજી ડો. અમિત તથા ડો.નિહાલ, ઈ.એન.ટી.ડો.સર્વિલ નિમાવત,ડેન્ટિસ્ટ્રી ડો. વિજય પરમાર, સાઈક્રાટ્રી ડો.યસ.એ.ભુવા સેવા આપશે.

વધુમાં રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે,આ કેમ્પનો પોરબંદર શહેરના તથા પોરબંદર જિલ્લાના તમામ લોકો લાભ લે તેવી મારી નમ્ર અપીલ છે તેમજ આ કેમ્પમાં જે લોકોને સોનોગ્રાફી, એક્સ-રે ની જરૂર હશે,તેને નજીકની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં કરાવી આપવામાં આવશે તેમજ દર્દીને જરૂરીયાત મુજબની દવાઓ પણ આ કેમ્પમાં નિઃશુલ્ક આપવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આ કેમ્પ માત્ર તબીબી સેવા પુરતું નથી, પરંતુ તેમાં એક સામાજિક સંદેશ પણ છુપાયેલો છે,આરોગ્ય જ જીવનનો આધાર છે.ગ્રામ્ય વિસ્તારોના લોકો સુધી ઉચ્ચકક્ષાની આરોગ્ય સેવાઓ પહોંચાડવી જરૂરી છે.નિઃશુલ્ક સેવા દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે.સામાજિક સંસ્થાઓ, તબીબો સાથે મળીને આવા સેવાયજ્ઞો સમાજના હિતમાં એક મજબુત ઉદાહરણ પૂરાં પાડે છે.

રાજકોટની એઈમ્સ હોસ્પિટલ દ્વારા પોરબંદરમાં આયોજિત આ સર્વરોગ નિદાન કેમ્પ પોરબંદરના ઈતિહાસમાં એક નવી કેડી ખોલી દેશે.નિષ્ણાંત તબીબો, આધુનિક સાધનો, નિઃશુલ્ક દવાઓ અને સમાજના આગેવાનોની સક્રિય ભાગીદારી સાથે આ કેમ્પ સાચાઅર્થમાં એક સેવાયજ્ઞ બની રહેશે.પોરબંદર જિલ્લાના દરેક નાગરિકને અપીલ છે કે,આ અવસરને ગુમાવ્યા વગર પોતાના આરોગ્યનું ધ્યાન રાખવા માટે આ કેમ્પનો જરૂર લાભ લે તેમ પોરબંદર જિલ્લા રેડક્રોસ ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા, પાયોનીયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, ગ્રીન પોરબંદરના કોઓર્ડીનેટર ધર્મેશભાઈ પરમાર તથા કેમ્પના કોઓર્ડીનેટર લાખણશીભાઈ ગોરાણીયાએએ જણાવ્યું હતુ.

(4:41 PM IST)