<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

લોધીકા તાલુકાના માખાવડ ગામની જમીન સંદર્ભે ‘‘વિલ''ના આધારે ભાઇના નામે નોંધ પાડવાનો આદેશ

વિલનું પ્રોબેટ મેળવેલ ન હોય તો પણ રેવન્‍યુ રેકર્ડમાં નોંધ થઇ શકેઃ નાયબ કલેકટરનો ચુકાદો

રાજકોટ,તા. ૧૦: લોધીકા તાલુકાના માખાવડ ગામની ખેતીની જમીન વિલના આધારે ભાઈના નામે નોંધ પાડવાનો હુકમ નાયબ કલેકટર કર્યો હતો. આ કેસની હકીકત એવી છે કે, લોધીકા તાલુકાના ગામ માખાવડના રહેવાસી મુળ ખેડૂત મોહનભાઈ અરજણભાઈ વેકરીયા હતા અને તેઓ માખાવડ ગામે ખેતીની જમીનો ધારણ કર્તા હતા. મોહનભાઈ વેકરીયાને સંતાનોમાં ત્રણ દિકરા અને ચાર દિકરીઓ હતી. દિકરીઓ પરણીને સાસરે જતી રહેલી. મોહનભાઈ જે ખેતીની જમીન ધારણકર્તા હતા તે વારસાઈ જમીન તેના બે દિકરા કલાભાઈ મોહનભાઈ વેકરીયા અને કિશોરભાઈ મોહનભાઈ વેકરીયાને તેની હયાતીમાં ખેતીની જમીનની વહેચણી કરી દીધેલી, જેમાંથી દિકરીઓએ ભાગ જતો કરેલો. જેથી રેવન્‍યુ રેકર્ડે તે જમીન કલાભાઈ અને કિશોરભાઈના નામે અને ખાતે થઈ ગયેલી. આ અંગે કલાભાઈ મોહનભાઈના ત્રીજા દિકરા ગોવિંદભાઈ જેઓ મુંગા અને બહેરા હતા અને તેઓને કોઈ સંતાન ન હતા. ગોવિંદભાઈ મોહનભાઈએ તેની સ્‍વપાર્જિત મુડી માંથી લોધીકા તાલુકાના ગામ માખાવડના રે.સ.નં. ૫૬ પૈકી ૨ જમીન એ.૮-૦૦ ગુંઠા વેચાણ દસ્‍તાવેજ નં. ૨૦ તા. ૨૬/૦૩/૧૯૭૩ થી ખરીદ કરેલી અને રેવન્‍યુ રેકર્ડે આ મિલ્‍કત વેચાણથી તેના નામે દાખલ થયેલી આ મિલ્‍કતનું ગોવિંદભાઈએ તેમની હયાતીમાં રજીસ્‍ટર વિલ નં. ૧૦૪૦૩ તા. ૦૧/૧૦/૨૦૦૭ ના રોજ કિશોરભાઈ મોહનભાઈની તરફેણમાં વિલ કરેલુ અને વિલથી સ્‍વતંત્ર માલીકી હક્કથી આ મિલ્‍કત કિશોરભાઈને આપેલી. ત્‍યાર બાદ ગોવિંદભાઈનું તા. ૧૨/૦૫/૨૦૨૫ ના રોજ અવશાન થતાં રજીસ્‍ટર વીલના આધારે કિશોરભાઈએ આ જમીન તેના નામે દાખલ કરવા માટે અરજી કરતાં હક્કપત્રકે નોંધ નં. ૪૩૦૩ તા.૨૬/૦૬/૨૦૨૫ ના રોજ દાખલ થયેલી. જેની સામે કિશોરભાઈના કલાભાઈ અને તેની બહેનો કાંતાબેન રામાણી અને દુધીબેન શીંગાળાએ વાંધો લીધેલો અને બાકી બે બહેનો સવિતાબેન અને ચતુરાબેને કોઈ તકરાર ઉઠાવેલી નહીં, આમ આ નોંધ સામે વાંધા આવતાં નાયબ કલેકટર, રાજકોટ (ગ્રામ્‍ય) પ્રાંત વિમલકિર્તી ચક્રવતી સાહેબ સમક્ષ તકરારી કેસ નં. ૩૬/૨૦૨૫ ઉપસ્‍થિત થયેલ.  આથી જેથી વિલ જેમની તરફેણમાં થયેલ તે કિશોરભાઈ મોહનભાઈના એડવોકેટ તરીકે રાજકોટના વિદ્વાન ધારાશાસ્‍ત્રી અર્જુન પટેલ તથા હિમાંશુ શીશાંગીયાએ એવી દલીલ કરેલ કે હાલનુ વિલ રજીસ્‍ટર વિલ છે અને વિલ કરનાર આ મિલ્‍કતના સ્‍વતંત્ર અને સુવાંગ માલીક છે તેમણે વેચાણ દસ્‍તાવેજથી આ મિલ્‍કત ખરીદ કરેલ છે. ત્‍યારે વિલ ખરૂ છે કે ખોટું વિલ કરનારને વિલ કરવાની સત્તા છે કે કેમ ? તેવી કોઈ તકરારો નોંધ પાડતી વખતે જોઈ શકાય નહી. કોઈ પણ રજીસ્‍ટર વિલનું પ્રોબેટ લેવાની ભારતના માત્ર ચાર મુખ્‍ય શહેરોમાં જ જરૂરીયાત છે તે સિવાય વિલનું અદાલત માંથી પ્રોબેટ લેવાની આવશ્‍યકતા નથી. અર્જુન પટેલ એડવોકેટ દ્વારા  ગુજરાત હાઈકોર્ટના આ સિધ્‍ધાંત પરત્‍વેના જુદા જુદા ચુકાદાઓ રજૂ કરી નાયબ કલેકટરશ્રીનું ઘ્‍યાન દોરેલ કે વાંધેદારોએ જે તકરાર ઉપસ્‍થિત કરેલ છે તે તકરાર નિર્ણિત કરવાની સત્તા સિવિલ કોર્ટને છે, રેવન્‍યુ ઓથોરીટી સમક્ષ આવી કોઈ તકરાર ઉપસ્‍થિત કરી શકાય નહી કે રેવન્‍યુ ઓથોરીટી આવી તકરારો નિર્ણિત પણ કરી શકે નહી. રજીસ્‍ટર વિલના આધારે જયારે નોંધ દાખલ કરવામાં આવેલ છે ત્‍યારે આવી નોંધ પ્રમાણીત કરવા સિવાય બીજો કોઈ વિકલ્‍પ હોઈ શકે નહી. અર્જુન પટેલ એડવોકેટની આ દલીલો ગ્રાહ્ય રાખી રજીસ્‍ટર વિલના આધારે માખાવડ ગામના હક્કપત્રકે દાખલ થયેલ નોંધ નં. ૪૩૦૩ મંજુર કરવાનો ઔતિહાસિક ચુકાદો નાયબ કલેકટરશ્રી, રાજકોટએ આપેલ છે.

આ કેસમાં અરજદાર કિશોરભાઈ મોહનભાઈ વેકરીયા વતી એડવોકેટ તરીકે રાજકોટના વિદ્વાન ધારાશાસ્‍ત્રીશ્રી અર્જુન એસ. પટેલ, હિમાંશુ શિશાંગીયા, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી, ભાર્ગવ એ.પાનસુરિયા અને આકાંક્ષા એચ, રાજદેવ, જાનવી વિરાણી રોકાયેલ હતા. 

અર્જુન એસ. પટેલ

એડવોકેટ

(11:42 AM IST)