News of Saturday, 11th October 2025
પોરબંદરના બખરલામાં અર્જુનભાઈની ઉપસ્થિતીમાં વિકાસ સપ્તાહઃ ૪૦ લાખના કામોના ખાતમુહુર્તો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૧: જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિકાસ રથ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ૨૪ વર્ષના વિકાસપ્રયાસોની ગાથા શોર્ટ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. બખરલા ગામ ખાતે ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.
ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતળત્વ હેઠળ ગુજરાતે અદભૂત વિકાસના નવા શિખરો સર કર્યા છે. રણોત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સેમિકન્ડક્ટર ઉદ્યોગ, ધોલેરા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને લોક કલ્યાણકારી યોજનાઓ વિકાસના કાર્યોથી રાજ્યમાં રોજગાર અને પ્રવાસન સહિતનાં ક્ષેત્રે નોંધપાત્ર વળદ્ધિ થઈ છે.
અર્જુનભાઈએ જણાવેલ કે જિલ્લામાં આધુનિક આરોગ્યસુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુસર મેડિકલ કોલેજ ખાતે રૂ. ૩૦૦ કરોડના ખર્ચે અદ્યતન કેન્સર વોર્ડનું નિર્માણ ચાલી રહ્યું છે. જિલ્લા માર્ગ સુવિધાઓ સુધારવા માટે પણ અનેક માર્ગો મંજૂર કરવામાં આવ્યા છે, જેથી નાગરિકોને અવરજવર સુવિધાજનક બને.
અગ્રણી શ્રી અરસીભાઈ ખૂટીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વ હેઠળ રાજ્ય સરકારે લોકોની સુખાકારી માટે અનેક લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. તેમણે જિલ્લામાં થયેલા સર્વાંગી વિકાસ માટે સંતોષ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પાંડાવદર, બોરીચા, કોલીખડા અને બખરલા ગામોના રૂ. ૪૦ લાખથી વધુના ૧૭ કામોનું લોકાર્પણ તથા રૂ. ૬૩ લાખથી વધુના ૨૩ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, આઈસીડીએસ યોજના અને એનઆરએલએમ અંતર્ગત સખી મંડળને રૂ. ૩ લાખની કેશ ક્રેડિટ સહાય વિતરણ કરવામાં આવી હતી. અને અંતમાં ગ્રામજનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લીરીબેન ખૂટી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રેખાબા સરવૈયા, માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઈજનેર શ્રી પિયુષ સિગરખીયા, બોરીચા સરપંચ શ્રી પરબત ઓડેદરા, અગ્રણી શ્રી અરસીભાઈ ખૂટી, કોરીખડાના અગ્રણી રાજુભાઈ હુણ સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. (રર.ર)
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
