<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

સતાધારના ગાદિપતિ અને ઓલ ગુજરાત સાધુ સમાજના ઉપપ્રમુખ મહંત પૂ.વિજયબાપુ ગુરૂ જીવરાજબાપુનો આજે જન્મદિન

સેવાકાર્યોનો ધમધમાટ : પૂ. જીવરાજબાપુની હયાતીમાં જ પૂ.વિજયબાપુએ સત્તાધારનાં લઘુમહંતની જવાબદારી સ્વીકારી'તી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૨: સૌરાષ્ટ્રના પવિત્ર યાત્રાધામ સતાધારના મહંત પૂ વિજયબાપુ ગુરૂ જીવરાજ બાપુનો આજે જન્મદિવસ છે. પૂ.બાપુ સામાન્ય રીતે જન્મદિનની કંઈ ખાસ ઉજવણી કરતા નથી..પણ આ દિવસે કોઈ વિશેષ માનવતાવાદી કાર્યને સતાધાર ગાદીપતિ અને ઓલ ગુજરાત સાધુ સમાજના ઉપપ્રમુખ વિજયબાપુ કાર્યને ઓપ આપે છે.

સતાધારના મહંત પૂ.વિજયબાપુ મુળ અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાના બોરડી ગામના વતની છે. ડબલ ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ ધરાવતા પૂ.વિજયબાપુ આધ્યાત્મિકની સાથોસાય કાન્તિકારી વિચારોને વરેલા છે. દિવંગત મહંત પૂ જીવરાજ બાપુની હયાતીમાં જ પૂ.વિજયબાપુએ લઘુમહંતની જવાબદારી સ્વીકારી લીધી હતી.. અને જગ્યાના વિકાસમાં દિ'રાત લાગી પડ્યા હતા.. પૂ.વિજયબાપુ સતાધારની ઉજળી પરંપરાને આગળ વધારી રહ્યા છે ત્યારે પૂ.બાપુનો આજે જન્મદિન હોય સેવકો હર્ષ સાથે આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

સામાન્ય માણસ પોતાના પ્રસંગો પોતાની રીતે ઉજવતા હોય છે. જેમ કે જન્મ દિવસ હોય તો કેક કાપી મિત્રો અને પરિવાર સાથે હોટેલમાં જમવા જવું, લગ્ન હોય તો લખલૂટ ખર્ચ કરી સમાજને બતાવી દેવું છે, ભપકા કરવા વગેરે. પરંતુ સમાજની સાથે અને સમાજની વચ્ચે રહેતા સાધુ-સંતો અને ખાસ કરીને સનાતન ધર્મની જગ્યાના સાધુ-સંતો પોતાનો જન્મ દિવસ કેવી રીતે ઉજવે છે એ જાણવું ખૂબ રસપ્રદ રહેશે.

આજથી લગભગ પાંચેક વર્ષ પહેલાં સવાર સવારમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરથી સાત કિલોમીટર દૂર હાથસણી ડેમ નજીક આવેલા માનવ મંદિરના દરવાજે એક ટ્રક આવીને ઉભો રહ્યો, સાથે બે સેવકો હતા..હાથમાં રુપિયા એક લાખ રોકડની થેલી હતી. કશું જ કહ્યા વગર માનવ મંદિરના સંત ભક્તિરામબાપુને રકમ આપી સામાન ઉતારી ચાલતા થયા. બાપુએ પૂછ્યુ કે ભાઈ કોણ છો અને ક્યાંથી આ સામાન આવ્યો છે? સામા પક્ષે કોઈ જવાબ ન આપ્યો અને ચાલતા થયા. બાદમાં તપાસ કરતા માલુમ પડ્યુ કે ગઈકાલે સતાધારના સંત પૂ.વિજયબાપુનો જન્મ દિવસ હતો.

કોરોના કાળ દરમિયાન ભકતો કે શિષ્યો કે ચાહવાવાળા સૌ કોઈને વિજયબાપુએ અગાઉથી જ કહ્યુ હતુ કે, મારા જન્મદિને કોઈ પણ પ્રકારની ઉજવણી કે પૂજા આર્ચના કરવાની નથી..મારો જન્મ દિવસ હું મારી રીતે ઉજવી લઈશ. માનવ મંદિરમાં વિજયબાપુએ જે વસ્તુઓ મોકલી હતી જેમાં પ તેલના ડબ્બા, ૩ કટા જીણો લોટો, ૩ કિલો જાડો લોટ, ૫ કિલો ધાણા, ૫ કિલો જીરુ, ૩ કટા ખાંડ, ૨ ગુણી મગફળી, ૧૦ કટા ઘંઉનો લોટ, ૩ કટા બાજરાનો લોટ, ૨ ડબ્બા ગોળ, ૧૦ કિલો હળદર, ૧૦ કિલો મરચું, ૧૦ થેલી નમક, ૫ કટા ચોખા, બટેટાની ગુણો, ચણાની ગુણો વગેરે હતું. આ ઉપરાંત રોકડા એક લાખ રુપિયા પણ માનવ મંદિર આશ્રમમાં મોકલ્યા હતા.

સૌરાષ્ટ્રમાં ગીરની જંગલની વચ્ચે ખૂબ પૌરાણિક ધાર્મીક જગ્યા આવેલી છે. જેનું નામ સતાધાર છે. અહીં અંદાજે ત્રણસો વર્ષથી સતત અન્નક્ષેત્ર ચાલે છે. અહીંયા ભૂખ્યાને રોટલો, રહેવાની સગવડ, ગરીબ દીકરીઓને લગ્ન વગેરે અનેક પ્રવૃતિઓ અવિરત ચાલ્યા કરે છે.

આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે કે ‘દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ'. હાલ સતાધારના ગાદીપતી તરીકે એક સમયે ખૂબ જ તેજસ્વી અભ્યાસની કારકિર્દી ધરાવનાર વિજયબાપુ છે. વિજયબાપુએ કોરોનાકાળ-લોકડાઉન દરમિયાન એક અંદાજ પ્રમાણે સૌરાષ્ટ્રની નાની મોટી ધાર્મિક જગ્યાઓમાં અંદાજે બે હજાર ટન જેટલો અન્નપુરવઠો પહોંચાડયો હતો.

અઢારેય આલમ જેના પ્રત્યે અપાર શ્રધ્ધા ધરાવે છે તેવી પૂજ્ય આપાગીગાની જગ્યાએ યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે અને આજે પણ લોકોની મનોકામના પૂર્ણ થાય છે આવનાર પ્રત્યેક ભાવિકોને નાતજાતના ભેદભાવ વગર એક પંગતે ભોજન પ્રસાદ લ્યે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ જગ્યાના મહંત પૂ.વિજયબાપુએ પૂર્વાશ્રમ દરમિયાન ઉચ્ચ શિક્ષણ મેળવી બ્લેક કેટ કમાન્ડોની તાલીમ પણ લીધી છે... કોઇ ગેબી શકિતના આદેશથી પૂ. વિજયભાઇબાપુએ ગુરૂદેવશ્રી પૂ.જીવરાજબાપુના આદેશથી સંત અમલનો માર્ગ અપનાવી આજે હજારો દીનદુખિયાઓના દુ:ખ દૂર કરે તેવી આ પૂજ્ય આપાગીગાની જગ્યાનો પૂ. વિજયબાપુ દ્વારા ખૂબ વિકાસકાર્યો હાથ ધરી ગૌશાળાશ્રી જીવરાજભવન ઉતારા વિભાગ અત્યંત આધુનિક બિલ્ડીંગનું નિર્માણ કરાવ્યું છે. પૂ. વિજયબાપુ દ્વારા આવનારા પ્રત્યેક યાત્રાળુઓને ભોજન પ્રસાદ ઉતરાની વ્યવસ્થા કરવામાં આવે છે. અને તેઓને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે જીણવટભરી કાળજી લઈ રહ્યા છે. આજે પૂ. વિજયબાપુ ૫૮ વર્ષ પૂરા કરી ૫૯ માં વર્ષમાં પ્રવેશ રહ્યા છે. ત્યારે સાધુસંતો તેમને સમભાવ પાઠવી રહ્યા છે. અને સેવક સમુદાય સમદિવ્ય ભાવવંદના કરી રહ્યા છે.

(12:24 PM IST)