<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

કચ્‍છના સામત્રા ગામે રૂપિયા માટે પ્રૌઢ પતિને યુવાન પત્‍નીએ જીવતો સળગાવી દીધો

સબંધોનું કરુણ પતન, વિધુર પાટીદાર પ્રૌઢ સાથે બીજા લગ્ન કરનાર યુવાન પત્‍નીના કૃત્યથી હાહાકાર, લગ્ન બ્‍યુરો દ્વારા બંનેએ કર્યા'તા બીજા લગ્ન

 

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૩:  પતિ અને પત્‍ની વચ્‍ચે વર્તમાન સમયમાં બનતા તંગ બનાવો વચ્‍ચે સંબંધોનાં કરુણ પતનનો કચ્‍છમાં એક કિસ્‍સો સામે આવ્‍યો છે. ભુજ તાલુકાના સામત્રા ગામે ૬૦ વર્ષીય પાટીદાર વિધુર ધનજી ઉર્ફે ખીમજી વિશ્રામ કેરાઈએ પત્‍નીના મોત બાદ મહેસાણાની હીરપુરા ગામની પ્રથમ લગ્નથી છૂટાછેડા લીધેલ ૪૦ વર્ષીય નિસંતાન મહિલા કૈલાસ કનુસિંહ ચૌહાણ સાથે દોઢ વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા. બંનેએ મેરેજ બ્‍યુરોના માધ્‍યમથી લગ્ન કર્યા હતા. ધનજીભાઈને ત્રણ પુત્રો છે બે વિદેશમાં અને એક ગામમાં જ પિતાથી અલગ રહે છે. કૈલાસે પતિ પાસેથી પહેલી પત્‍નીના બધા દાગીના લઈ લીધા બાદ ભુજમાં પોતાનું મકાન લીધું હોઈ પતિ પાસેથી રૂપિયા માંગતી હતી. લગ્ન બાદ બંને વચ્‍ચે દાગીના અને રૂપિયા મુદ્દે કંકાસ થતો હતો. દરમ્‍યાન ફરી કૈલાસે પતિ ધનજી પાસેથી મકાન માટે પૈસા માંગ્‍યા પણ પતિએ ના પાડતા ઉશ્‍કેરાયેલ પત્‍નીએ આજે તો તને પતાવી નાખવો છે એવું કહી તેની ઉપર કેરોસીન રેડી દીવાસળી ચાંપી દીધી હતી. સળગતા પતિની બૂમો સાંભળી પાડોશી અને બાજુમાં રહેતો પુત્ર કપિલ દોડી આવ્‍યા હતા. ૯૦ ટકા જેટલા દાઝી ગયેલ પ્રૌઢ પતિનું સારવાર દરમ્‍યાન અરેરાટીભર્યું મોત નીપજ્‍યું છે. જ્‍યારે પતિની હત્‍યા કરનાર પત્‍ની કૈલાસની અટકાયત કરી રિમાન્‍ડ મેળવવાની તજવીજ માનકુવા પોલીસ સ્‍ટેશનના પીઆઈ પી.પી. ગોહિલે હાથધરી છે.(૨.૧૦)

 

 

(12:12 PM IST)