News of Monday, 13th October 2025
હરિપર પાળમાં ગરબીના આયોજન મામલે ચાલતાં મનદુઃખમાં ધોકા ઉડયાઃ ભાવેશ અને નાજાને ઇજા

રાજકોટ તા. ૧૩: લોધીકાના હરિપર પાળ ગામે ધોકાથી મારામારી થતાં સામ સામે બે યુવાનને ઇજા થઇ હતી. અગાઉ ગરબીના આયોજન બાબતે મનદુઃખ સર્જાર્યુ હોઇ તેનો ખાર રાખી આ ડખ્ખો કરાયો હતો.
જાણવા મળ્યા મુજબ હરિપર પાળમાં રહેતાં અને ખાનગી સ્કૂલની બસનું ડ્રાઇવીંગ કરતાં ભાવેશ ગોવિંદભાઇ વાળા (ઉ.વ.૨૪) પર સાંજે ગામના જ નાજા ખીમજીભાઇ રાતડીયાએ ધોકાથી હુમલો કરી માર મારતાં અને નાક પર કડુ મારતાં માથા, નાક, શરીરે ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
સામા પક્ષે હરિપર પાળના નાજા ખીમજીભાઇ રાતડીયા (ઉ.વ.૨૫)ને પણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેણે પોતાના પર ભાવેશ વાળા, દિનેશ સહિતે ધોકાથી હુમલો કરી માર માર્યાનું કહેતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ સહિતે મેટોડા પોલીસને જાણ કરી હતી.
ભાવેશે જણાવ્યું હતું કે મારા કાકાનો દિકરો સતિષ દિનેશભાઇ વાળા ગરબીનું આયોજન કરે છે. આ વાત નાજાભાઇને ખટકતી હોઇ જે તે વખતે બોલાચાલી થઇ હતી અને મનદુઃખ સર્જાયું હતું. બે દિવસ પહેલા મારો ભાઇ સતિષ અવધ ખાતે સિક્યુરીટીની નોકરી પર હતો ત્યાં જઇને નાજો સહિતના ઝઘડો કરી આવ્યા હતાં. ગત સાંજે ફરીથી સતિષ સાથે આ લોકો બોલાચાલી કરતાં હોઇ હું વચ્ચે પડતાં મારા પર ધોકાથી હુમલો કર્યો હતો. પોલીસે ખરેખર કયા કારણે માથાકુટ થઇ તેની તપાસ હાથ ધરી છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
