News of Wednesday, 15th October 2025
કચ્છમાં સતત બીજા દિવસે હત્યાનો બનાવ : ગઢશીશા નજીક કોન્ટ્રાક્ટના ભાગીદારો વચ્ચે રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ મિત્રને છરીના ઘા ઝીંકી પતાવી દીધો
માંડવી તાલુકાના ગઢશીશા અને રાજપર વચ્ચે કારમાં જ કોન્ટ્રાક્ટર ભાગીદારો પરિમલ પંડ્યા અને વિજય વૈષ્ણવ વચ્ચે હિસાબનો વિવાદ વકર્યો : હત્યા બાદ આરોપી પરિમલ પંડ્યાએ પોલીસ સમક્ષ પોતે જ ગુનો કબૂલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

(વિનોદ ગાલા દ્વારા), ભુજ : કચ્છમાં સતત બીજા દિવસે હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. માંડવી તાલુકાના ગઢશીશા અને રાજપર ગામ વચ્ચે ભાગીદારીમાં ધંધો કરતા બે મિત્રો વચ્ચે રૂપિયાની લેતીદેતી અને કોન્ટ્રાક્ટના કામના હિસાબો બાબતે બોલાચાલી થયા બાદ એક મિત્રે બીજાના ગળા ઉપર છરી ફેરવી હત્યા નીપજાવી હતી.
મળતી વિગતો મુજબ, કોન્ટ્રાક્ટર મિત્રો પરિમલ બિહારીલાલ પંડ્યા અને તેમના ભાગીદાર વિજય મનુ વૈષ્ણવ એક જ કારમાં સાથે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની વચ્ચે ધંધામાં પૈસાની લેતીદેતીના વિવાદ અંગે વાતચીત શરૂ થઈ, જેણે ઉશ્કેરાટનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઉશ્કેરાટમાં આરોપી પરિમલ પંડ્યાએ વિજય વૈષ્ણવ પર છરીના ઘા ઝીંકી તેમની હત્યા કરી નાખી હતી.
હત્યા બાદ પોલીસ સમક્ષ સરેન્ડર:
વિજય વૈષ્ણવની હત્યા કર્યા બાદ આરોપી પરિમલ પંડ્યા ગઢશીશા નજીકથી સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેણે પોલીસ સમક્ષ પોતે જ હત્યા કરી હોવાની કેફિયત આપી દીધી હતી.
મૃતક વિજય વૈષ્ણવ અને આરોપી પરિમલ પંડ્યા બંને માંડવીના કોડાય ગામની એક જ સોસાયટીમાં રહેતા હતા અને સાથે મળીને કોન્ટ્રાક્ટનું કામ કરતા હતા. આ અંગે પોલીસે આરોપી પરિમલ પંડ્યાની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
