News of Wednesday, 15th October 2025
ઝાલાવાડમાં વીજ તંત્રની તવાઈ :35 જેટલી ટીમ દ્વારા લીંબડી, ચુડા તેમજ સાયલા પંથકમાં સઘન ચેકીંગ :62 લાખની વીજચોરી ઝડપાઈ
ચુસ્ત બંદોબસ્ત સાથે PGVCLની ટીમો દ્વારા વીજ જોડાણોનું ચેકીંગ હાથ ધરતા કેટલાય સ્થાનો પરથી અંદાજે 350થી વધુ વીજ જોડાણો ચેક કરાયા

ઝાલાવાડમાં તંત્રના અવાર નવારના દરોડાઓ છતાં વીજચોરી કરતા તત્વો સુધરવાનું નામ લેતા ના હોય તેમ આ પ્રવૃતિ અટકવાનું નામ લેતી નથી. વીજ વિભાગની 35 જેટલી ટીમો દ્વારા દીવાળી પહેલા જ લીંબડી, ચુડા તેમજ સાયલા પંથકમાં કરેલા ઓચિંતા ચેકીંગ રૂપી આતશબાજીમાં 62 લાખ રૂપિયાની વીજચોરી ઝડપાઈ જવા પામતા ચકચાર મચી જવા પામી છે.
રાજકોટ કોર્પોરેટ કચેરીની સૂચના અન્વયે લીંબડી ડિવિઝન હેઠળના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત સાથે વહેલી સવારથી જ PGVCLની ટીમો દ્વારા વીજ જોડાણોનું ચેકીંગ હાથ ધરતા કેટલાય સ્થાનો પરથી અંદાજે 350થી વધુ વીજ જોડાણો ચેક કરાયા હતા, જેમાંથી 80થી વધુ જોડાણોમાં ગેરરીતિઓ બહાર આવતા તમામ વીજચોરી કરતા ઈસમોને આકરો દંડ ફટકારવામાં આવ્યો હતો. લીંબડી કચેરીમાં સમાવિષ્ટ બોડિયા, વસ્તડી જેવા ગામોમાં તેમજ ચુડા ગ્રામ્ય વિસ્તારમાંથી મોટાપાયે વીજ ચોરી ઝડપાઈ હતી, તેમજ સાયલા તથા ડોળિયા સબ ડિવિઝન હેઠળના ગામોમાંથી પણ ઘર વપરાશ, વાણીજ્ય હેતુના જોડાણોમાંથી ઝડપાયેલી ગેરરીતિ બાબતે 12,50,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
લીંબડી વીજ કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર લીંબડી, ચુડાના ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલા ચેકીંગ દરમ્યાન રેતીના વોશ પ્લાન, વાણિજ્યના તેમજ ઘર વપરાશના 37 જોડાણોમાં ગેરરીતિ કરવા માટે કુલ 49.50 લાખનો તથા સાયલા ગામ, ડોળિયા કચેરીના ઢેઢુકી, ડોળિયા, કેસરપરમાંથી 46 વીજ જોડાણો દ્વારા કરાતી વીજ ચોરી મામલે 12.50 લાખનો દંડ ફટકાર્યો હતો. હાલ તો તંત્ર દ્વારા કરાયેલી કાર્યવાહીમાં કુલ 83 વીજ જોડાણ ધારકોને આશરે 62 લાખનો દંડ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટફેલાયો છે
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
