News of Thursday, 16th October 2025
ચોટીલા હોસ્પિટલે દૂધ દેવા જતા ભીમગઢ ગામના બાઇકસ્વાર યુવાનનું મોત
ઝાલાવાડમાં અકસ્માતના ત્રણ બનાવ

વઢવાણ, તા., ૧૬: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઈવે અને પાટડી-વિરમગામ હાઈવે પર અકસ્માતના ૨ બનાવો સામે આવ્યા છે. જેમાં ભીમગઢથી બાઈક લઈને ચોટીલા દુધ જેવા જતા યુવાનના બાઈક સામે ટેન્કર આવી જતા અકસ્માત સર્જાયો હતો. જયારે પાટડી-વિરમગામ હાઈવે પર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો.ચોટીલા તાલુકાના ભીમગઢ ગામે રહેતા ૪૦ વર્ષીય રસીકભાઈ હીરાભાઈ ઝાંપડીયા ખેતીકામ કરે છે.
ગત તા. ૫-૮ના રોજ રાત્રે ૧૦ કલાકે તેમનો દિકરો ૧૮ વર્ષીય નીતેશ તેના મિત્ર ભીમગઢના જયરાજ જયંતીભાઈ ઝાંપડીયા સાથે બાઈક પર ચોટીલા સરકારી હોસ્પીટલ દુધ દેવા જતા હતા. ત્યારે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ધરતી ગેસ્ટ હાઉસ સામે બાઈક સામે અચાનક કન્ટેનર આવી જતા ચાલક જયરાજે બાઈક પર કાબુ ગુમાવી અકસ્માત કર્યો હતો. જેમાં બન્નેને ઈજાઓ પહોંચી હતી. જેમાં બન્નેને સારવાર માટે દવાખાને લઈ જવાતા માથામાં વધુ ઈજા થવાથી નીતેશનું મોત થયુ હતુ. બનાવની જયરાજ ઝાંપડીયા સામે ચોટીલા પોલીસ મથકે તા. ૧૪મીના રોજ મોડી સાંજે ફરિયાદ નોંધાઈ છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ ડી.પી.બારૈયા ચલાવી રહ્યા છે. જયારે દસાડા તાલુકાના પાટડી-વિરમગામ રોડ પર જરવલા પાસે બુધવારે ટ્રક અને બાઈક વચ્ચે સામ-સામે અકસ્માત સર્જાયો હતો.
જેમાં બાઈક સવાર હરિપુરાના ૨૩ વર્ષીય ખોડાભાઈ નવઘણભાઈ ઠાકોર અને ૧૮ વર્ષીય ભેમજીભાઈ સોમાજી રાઠોડને ઈજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ પાટડી સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વિરમગામ લઈ જવાયા છે. બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર દોડી જઈ ઈજાગ્રસ્તના નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
