તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 17th October 2025
સાંધાના રોગથી પરેશાન છો? તો, જાણો સારવારના સરળ ઉપાય
મહિલાઓ સાંધાના રોગથી વધુ પ્રભાવિત, વિશ્વમાં દર ત્રીજી વ્યક્તિ આર્થરાઈટિસ એટલે કે સાંધાના નાના મોટા દુખાવાથી હેરાન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૭ : તાજેતરમાં જ ૧૨મી ઓક્ટોબરના રોજ વિશ્વ આર્થરાઇટિસ ડે એટલેકે સંધિવા દિવસ ઉજવાઈ ગયો. વિશ્વમાં રહેતા લોકો વ્યાપક પ્રમાણમાં વરતાતા રોગથી જાગૃત બને અને સ્વસ્થતા માટે કાળજું રાખે એટલે વિવિધ રોગો માટેના દિવસની ઉજવણી થાય છે. સંધિવા એટલે કે આર્થરાઇટ્સ વિશે વાત કરીએ તો કમર જકડાઈ જવી, પીઠમાં દર્દ થવું, ઘૂંટણ કે હાડકાના સાંધામાં દુખાવો થવો એ આજે વ્યાપક પ્રમાણમાં દેખાય છે. એટલે હાડકાંના રોગના તબીબો સલાહ આપે છે કે હાડકાં,માંસપેશી અને સાંધાને સ્વસ્થ રાખવા નિયમિત કસરત અને ખોરાકમાં કેલ્શિયમ સામેલ કરવું જોઈએ. અદાણી સંચાલિત કચ્છની જિલ્લા સરકારી હોસ્પિટલ અદાણી જી.કે.જનરલના ઓર્થો વિભાગના તબીબ ડો.વિવેક પટેલ અને ડો.નવીન ગાગલના જણાવ્યા પ્રમાણે કસરત સાથે વજનને પણ નિયંત્રણમાં રાખવામાં આવે તો ઘણે અંશે આ તકલીફથી રાહત મળશે.જો હાલવા, ચાલવા અને ફરવામાં સાંધા દુખે તો નજર અંદાઝ કરવું એટલે આગળ જતાં મુશ્કેલી ઊભી કરવી.જો કે આર્થરાઇટિસ માટે માત્ર કલાકો સુધી બેસી રહેવું એ એકમાત્ર કારણ નથી બીજા અનેક કારણો જવાબદાર છે.
દરેક રોગની જેમ આ સમસ્યામાં પણ જીવનશૈલી જવાબદાર છે.જેમની ખાણીપીણી સમતોલ નથી અને દિનચર્યા અવ્યવસ્થિત છે તેમને આ રોગ જલ્દી લાગુ પડી શકે છે.ભોજનમાં કેલ્શિયમ,પ્રોટીન સાથે વિટામિન ડી પણ આવશ્યક છે.વિટામિન ડી સૂર્યપ્રકાશમાં મળે છે,પણ સૂર્યના કિરણો ત્વચાના સીધા સંપર્કમાં આવે એ જરૂરી છે.
આ રોગના લક્ષણો અંગે તબીબો કહે છે કે, આર્થરાઇટિસનું સામાન્ય લક્ષણ દર્દ અને સુજન છે. સમસ્યા વધવા પછી હાલવા, ચાલવા, ફરવા અને ચાલવામાં દર્દ થાય છે. આગળ જતા ડીકામર્ટી થાય છે,જેમકે પગ વાંકા વળી જવા.ડો.વિવેક પટેલે વધુમાં કહ્યું કે,જો આર્થરાઈટીસની સમસ્યા વધુ જણાય તો હાડકાના રોગના અને સાંધાના નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ અને તેમના માર્ગદર્શન અને સૂચન મુજબ સારવાર અથવા સર્જરી જે જરૂર જણાય તે યોગ્ય સમયે કરાવી લેવાય તો હિતાવહ રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં દર ત્રીજી વ્યક્તિ આ રોગથી પીડિત છે. ભારતમાં ૧૮ લાખ દર્દીઓ આર્થરાઇટિસના છે, જેમાંથી દોઢ લાખ લોકો તો ડોક્ટર પાસે પહોંચી પણ શક્યા નથી. વિશ્વની સૌથી મોટી બિનસંક્રમિત બીમારી પૈકીની એક છે,જે મહિલાને વધુ પ્રભાવિત કરે છે,એમ યુવાનોને પણ જલ્દી ચપેટમાં લે છે.
(8:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
