<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

ભાવનગરમાં અપહરણ કરી ૫૦ લાખની ખંડણી માંગી પોલીસે રાજકોટમાં ગોંધી રાખેલા વેપારીને મૂકત કરી બે ને ઝડપી લીધા

 

ભાવનગર તા. ૧૭: ચિત્રા વિસ્‍તારમાં રહેતા સાડીના એક વેપારીનું અપહરણ કરી તેના છુટકારા બદલ રૂ. ૫૦ લાખની ખંડણી માંગનાર ભાવનગર અને રાજકોટના શખ્‍સને પોલીસે રાજકોટથી ઝડપી લીધા છે .જ્‍યારે રાજકોટના ત્રણ અન્‍યને  ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

મસ્‍તરામ બાપા મંદિર પાસે આવેલી હાટકેશ્વર સોસાયટીમાં રહેતા કમલેશગીરી ગોસ્‍વામી પોતે સાડીના વેપારી છે. ગત તા. ૧૧મીથી તેઓ સંપર્ક વિહોણા બન્‍યા હતા. દરમ્‍યાનમાં ગત તા.૧૩મીએ પરિવારજનો પર અપહરણકારોનો ફોન આવ્‍યો હતો અને કમલેશગીરી ગોસ્‍વામી તેના કબ્‍જામાં હોવાનું જણાવી તેની મુક્‍તી માટે રૂપીયા ૫૦ લાખની ખંડણી માંગવામાં આવી હતી. ભારે ગડમથલના અંતે  ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયને ફોન કરી પરીવારજનોએ હકીકત જણાવી હતી.

બનાવની ગંભીરતાને ધ્‍યાને લઈ એસ.પી. દ્વારા લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એ.આર.વાળાને તાકિદે સુચના આપી આથી એલસીબી પીઆઈના માર્ગદર્શન તળે પીએસઆઈ પી.ડી.ઝાલા તથા વી.સી. જાડેજા તથા સ્‍ટાફના ચુનંદા જવાનો ધનશ્‍યામભાઈ ગોહિલ, જયદાનભાઈ લાંગાવદરા, બીજલભાઈ કરમટીયા, શૈલેષભાઈ ચાવડા, રાજેન્‍દ્ર મનાતર સહિતનો સ્‍ટાફ કામે લાગ્‍યો હતો. દરમિયાનમાં પોલીસને જાણકારી મળી હતી કે અપહરણકારોએ વેપારીને રાજકોટ ખાતે ગોંધી રાખ્‍યા છે. આથી પોલીસે ટીમે રાજકોટ દોડી જઈ અને વેપારી કમલેશગીરી ગોસ્‍વામીને મુક્‍ત કરાવ્‍યા હતા. જ્‍યારે સ્‍થળપરથી અપહરણકાર ગોપાલભાઈ બોઘાભાઈ બાંબા (રે. માલધારી સોસાયટી ભાવનગર હાલ નારી) અને કાનાભાઈ રાજેશભાઈ ટોળીયા (રહે. થોરાળા મેઈન રોડ રાજકોટ)ને ઝબ્‍બે કર્યા હતા. તપાસ દરમિયાન આ ગુનામાં ભરત હમીરભાઈ ટોળીયા, દિનેશભાઈ તથા કાના પટેલ (રહે તમામ રાજકોટ)ના નામ ખુલ્‍યા છે જેઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ છે. આમ ભાવનગરની એલસીબી પોલીસે ગણતરીની કલાકોમાં જ અપહરણ કરનાર આરોપીઓને રાજકોટથી ઝડપી લીધા છે.(૨.૧૦)

(11:08 AM IST)