<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

વાંકાનેરના બંધુનગરમાં વાળંદની દૂકાનમાં જામી પડીઃ પાઇપ-કાતરથી હુમલોઃ ત્રણને ઇજા

અગાઉથી ડખ્‍ખો ચાલતો હતો ત્‍યાં વાળ કપાવવામાં બધા ભેગા થયા ને બબાલ થઇ : મુળ પંજાબના દિલબાગસિંઘ, ગુરપ્રીતસિંઘ અને પ્રિતાપલસિંઘ પર તેના જ વતનના શની, ગુરૂસેવક સહિતના જુના મનદુઃખને કારણે તૂટી પડયાઃ સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૮: વાંકાનેરના બંધુનગરમાં વાળંદની દૂકાને વાળ કપાવવા ભેગા થયેલા મુળ પંજાબના યુવાનો વચ્‍ચે મારામારી થઇ ગઇ હતી. ત્રણ યુવાનો પર કાતર, પાઇપથી હુમલો કરી લોહીલુહાણ કરી નાંખતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. આ યુવાનો વાળ કપાવવા ગયા ત્‍યારે ત્‍યાં અગાઉથી જ તેના જ વતનના શખ્‍સો પણ વાળ કપાવવા આવ્‍યા હતાં. જુનુ મનદુઃખ ચાલતું હોઇ અહિ બોલાચાલી થયા બાદ મારામારી થઇ ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ વાંકાનેર બંધુનગરમાં રહેતાં અને પેંગ્‍વીન ટાઇલ્‍સમાં નોકરી કરતાં મુળ પંજાબના દિલબાગસિંઘ સુખદેવસિંઘ (ઉ.વ.૩૨), ગુરપ્રીતસિંઘ સુખદેવસિંઘ (ઉ.વ.૨૩) અને પ્રિતાપલસિંહ જસબીરસિંઘ ગીલ (ઉ.વ.૨૫) સાંજે વાંકાનેર ઢુવા ચોકડીએ આવેલી વાળંદની દૂકાને વાળ કપાવવા ગયા ત્‍યારે અહિ તેના જ વતનના શનીસિંઘ, ગુરૂસેવક સહિતના શખ્‍સોએ ઝઘડો કરી ત્રણેય પર પાઇપ, કાતરથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ સહિતે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

પ્રિતપાલસિંઘે કહ્યું હતું કે હું અને દિલબાગસિંઘ તથા પ્રિતપાલસિંઘ ટાઇલ્‍સ ફેક્‍ટરીમાં નોકરી કરીએ છીએ. અમારે અમારા જ વતનના શનીસિંઘ સાથે જુનુ મનદુઃખ ચાલે છે. અમે જે દુકાને વાળ કપાવવા ગયા ત્‍યાં શનીસિંઘ સહિતના પણ વાળ કપાવવા બેઠા હતાં. તેનાથી અમે અજાણ હોઇ દુકાન અંદર જતાં જુના ડખ્‍ખાને લીધે બોલાચાલી થઇ હતી. બાદમાં આ લોકોએ પાઇપ, કાતરથી હુમલો કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

(12:08 PM IST)