<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

શાપર પાસે કારના શોરૂમમાં રૂા. ૭.૪પ લાખની ચોરી

સર્વીસ મેનેજર કેતનભાઇ અમીપરાની શાપર પોલીસમાં ફરિયાદઃ સીસીટીવી કુટેજમાં ત્રણ બુકાની ધારી શખ્‍સો દેખાયા

રાજકોટ, તા. ૧૮: શાપર વેરાવળ નજીક કાંગશીયાળી નજીક આવેલા કારના શોરૂમમાં ત્રણ બુકાની ધારી તસ્‍કરોએ ત્રાટકી સી.આર.એમ. ઓફીસનો દરવાજો તોડી કેશીયરની ઓફીસની તીજોરી તોડી રૂા. ૭.૪પ લાખની રોકડ ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારિયા મેઇન રોડ પર આનંદનગર પાસે ગુરૂજન સોસાયટી શેરી નં. પ માં રહેતા કેતનભાઇ જીતુભાઇ અમીપરા (ઉ.વ. ૪૩) એ શાપર વેરાવળ પોલીસ મથકમાં ત્રણ અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે. કેતનભાઇએ ફરિયાદમાં જણાવ્‍યા મુજબ તે છેલ્લા વીસેક વર્ષથી કાંગશીયાળીની સીમમાં હાઇવે પર આવેલા ઇન્‍ફીનીયમ ટોયોટા શોરૂમમાં સર્વિસ મેનેજર તરીકે નોકરી કરે છે. આ શોરૂમના માલીક અજીતભાઇ મહેતા અમદાવાદમાં રહે છે. આ શોરૂમમાં કુલ ૧૦૭ કર્મચારીઓ કામ કરે છે. ગત તા. ૧૬ ના રોજ રાત્રે આઠેક વાગ્‍યા સુધી શોરૂમમાં નોકરી પર હતા. બાદ ઘરે જતા રહયા હતા. બાદ ગઇકાલે સવારે તે નોકરી પર જતા હતા ત્‍યારે શોરૂમના જનરલ મેનેજર હાર્દિકભાઇ દવે નો ફોન આવતા તેણે કહયુ કે ‘શોરૂમમાં ચોરી થઇ છે અને રોકડા રૂપિયા રાખવાની તીજોરી તુટેલી છે. અને તેમાંથી રોકડ રકમ ગાયબ છે' તેમ વાત કરતા તે તુરતજ શોરૂમે પહોંચતા કર્મચારી રવીભાઇ તથા વિનયભાઇ, ચીરાગભાઇ વગેરે કર્મચારીઓ આવી ગયા હતા. અને શોરૂમમાં અંદર તપાસ કરતા સી.આર.એમ. ઓફીસનો દરવાજો તુટેલો હતો. અને કેશીયરની ઓફીસમાં રોકડ રૂપીયાની તીજોરી બહાર કાઢેલ અને તુટેલી હાલતમાં જનરલ મેનેજરની ઓફીસમાં પડેલી હતી. ત્‍યાં શોરૂમના કેશીયર હિતેનભાઇ પણ ત્‍યાં આવી ગયા અને તેને પુછતા તેણે જણાવ્‍યું હતું કે રાત્રે આ તીજોરીમાં રૂા. ૭,૪પ,૦૦૦ રોકડ મુકી હતી જે રોકડ જોવામાં ન આવતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ આ બનાવની શોરૂમના માલીકને જાણ કરી હતી.

 ત્‍યારબાદ શોરૂમના સીસીટીવી કુટેજ જોતા તેમાં રાત્રે બે થી સાડા ત્રણ વાગ્‍યા દરમ્‍યાન મોઢે બુકાની બાંધેલા ત્રણ અજાણ્‍યા શખ્‍સો ચોરી કરતા દેખાયા હતા. આ અંગે શાપર વેરાવળ પોલીસમાં જાણ કરતા પોલીસે સ્‍થળપર પહોંચી કેતનભાઇ અમીપરાની ફરિયાદ પરથી ત્રણ અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. આર.બી. રાણાએ તપાસ હાથ ધરી છે.

(12:15 PM IST)