<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

ગોંડલ-આટકોટ પંથકમાં બંધ મકાનોમાં ચોરી કરતી કેજર ગેંગના ૩ સાગ્રીતો પકડાયા

ટ્રકમાં આવી હોટેલ પાસે મુકી બાઇકમાં જઇ આજુબાજુના ગામોમાં ચોરી કરતા'તા : ૧૦.૧પ લાખના મુદામાલ સાથે રૂરલ એલસીબીએ ઝડપી લીધા

રાજકોટ, તા., ૧૮ : ગોંડલ-આટકોટ પંથકમાં બંધ મકાનોમાં ચોરી કરતી કેજર ગેંગના ૩ સાગ્રીતોને રૂરલ એલસીબીએ ૧૦.૧પ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે અન્‍ય ૬ સાગ્રીતોની શોધખોળ હાથ ધરાઇ છે.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા જીલ્લામાં વણશોધાયેલ રહેલ મીલકત સબંધી ગુન્‍હાઓ સત્‍વરે શોધી કાઢવા માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્‍વયે રાજકોટ ગ્રામ્‍યના પો. ઇન્‍સ. વી.વી.ઓડેદરાના માર્ગશર્દન હેઠળ પો.સબ ઇન્‍સ. આર.વી.ભીમાણી તથા અલગ અલગ ટીમો દ્વારા ટેકનીકલ સોર્સી તથા હ્યુમન સોર્સીસથી માહીતી મેળવી તપાસ હાથ ધરવામાં આવતા કંજર ગેંગના આરોપીઓ આઇસર ટ્રક  વાળાને લઇને આવી ચોરીના ગુન્‍હાને અંજામ આપતા હોવાની હકીકત જણાય આવેલ જે સંબંધે  કંજર ગેંગના (૧) બુધરાજ સ.ઓ. રામસ્‍વરૂપ મીયાભાઇ કંજર  (ર) સરમા સ.ઓ. રામસ્‍વરૂપ મીયાભાઇ કંજર તથા (૩) સુમીત સ.ઓ. પપ્‍પુ લાદુરામ કુમાવત (કંજર)  રહે. પીપલુન્‍ડ તા.જહાજપુર જી. ભીલવાડા થાના જહાજપુર રાજય રાજસ્‍થાનને ૧૦.૧પ લાખના મુદામાલ સાથે ઝડપી લેવાયા હતા. જયારે આ ગેંગના (૧) પપ્‍પુ લાુદામા કુમાર  (ર) દિપક બાબુલાલ કંજર તથા (૩) પપ્‍પુ લાદુરામ કુમાવત સાથે આવેલ ત્રણ અજાણ્‍યા ઇસમોની શોધખોળ હાથ ધરાઇ છે.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ પકડાયેલ કંજર ગેંગના સાગ્રીતોએ ગોંડલ નજીક આવેલ એક ગલીમાંથી, ગોંડલ પાસે બીજા ગામના બે રહેણાંક મકાન, આટકોટ નજીક ગામમાં બંધ મકાન તથા ગોંડલ યાર્ડ સામે આવેલ સોસાયટીમાંના એક મકાનમાંથી ચોરી કર્યાની કબુલાત આપી છે. તેમજ વાંકાનેર પાસે ૩ બાઇકની ચોરી કરી રહેણાંક મકાનોમાં ચોરી કરવાની કોશીષ કરી હતી. પરંતુ કોઇ મતા મળી ન હતી. આ ગેંગ ટ્રક લઇ ચોરી કરવા જાય છે. અને ટ્રક હાઇવે પાસેની કોઇ હોટલ પાસે પાર્ક કરી નજીકમાંથી બાઇકની ચોરી કરી આજુબાજુની સોસાયટીમાં ચોરી કરતા હોવાનું ખુલ્‍યું છે. પોલીસે ટ્રક ૧૦.૧પ લાખનો મુદામાલ કબ્‍જે કરેલ છે. પકડાયેલ બુધરાજ અને સરમા સામે રાજસ્‍થાનમાં ગુન્‍હાઓ નોંધાયા છે.

આ કામગીરી રાજકોટ ગ્રામ્‍ય એલસીબીના ઇન્‍દ્રસિંહ જાડેજા, એએસઆઇ જયવીરસિંહ રાણા, એએસઆઇ અનિલભાઇ ગુજરાતી, એએસઆઇ બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, એએસઆઇ અમીતસિંહ જાડેજા, એએસઆઇ શકિતસિંહ જાડેજા,  ભગીરથસિંહ જાડેજા, મનોજભાઇ બાયલ, રસીકભાઇ જમોડ, ઘનશ્‍યામસિંહ જાડેજા, હરેશભાઇ પરમાર,  વાઘાભાઇ આલ, ધર્મેશભાઇ બાવળીયા, પ્રણયભાઇ સાવરીયા, દિવ્‍યેશભાઇ સુવા, અરવિંદસિંહ જાડેજા, કૌશીકભાઇ જોષી, મહીપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ સિંહાર વિગેરે જોડાયેલ હતા. 

(12:16 PM IST)