News of Monday, 20th October 2025
ગોંડલના ૩૫૦ વર્ષ જુનુ મહાલક્ષ્મી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાયું
રજવાડી ઠાઠ અને પ્રાચીન ઇતિહાસ માટે જાણીતા ગોંડલના ઐતિહાસિક મંદિરે ભાવિકો ઉમટયા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૦: રજવાડી ઠાઠ અને પ્રાચિન ઇતિહાસ માટે જાણીતાં ગોંડલ માં ઐતિહાસિક ગણાંતા મહાલક્ષ્મી મંદિરનો જીર્ણોધ્ધાર પુર્ણ થતા આજે ધનતેરસનાં પાવન દિવસે ગોંડલ રાજવી હિમાંશુસિહ,કુમાર જ્યોતિર્મયસિંહ, ધારાસભ્ય ગીતાબા,પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા,જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, અશોકભાઈ પીપળીયા સહિતે મહાઆરતી કરી હતી. આ સાથે મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાતા દર્શન માટે ભાવિકોની જબરી ભીડ જામી હતી.
ગોંડલની સ્થાપના કરનારા પ્રથમ રાજવી ભા'કુંભાજી એ નિર્માણ કરેલા અંદાજે ૩૫૦ વર્ષ જુના નાનીબજાર વચલીશેરી માં આવેલા પુરાતન એવા મહાલક્ષ્મી મંદિર નું નવનિર્માણ ગણતરીનાં દિવસોમાં ઝડપભેર પુર્ણ થયું છે. આજે આ ઐતિહાસિક મંદિર ધનતેરસ નાં પાવન પર્વ ઉપર દર્શનાર્થીઓ માટે આધુનિક સ્વરુપે ખુલ્લુ મુકાયુ છે.
આશરે દોઢસો વર્ષથી વધુ સમયનો ઇતિહાસ સંઘરી બેઠેલા ભુરાબાવાનાં ચોરાનો અદભુત કાયાકલ્પ કરી જુના ઇતિહાસ ને ફરી જીવંત કરનાર નાગરિક બેંક નાં પુર્વ ચેરમેન અને ભાજપ મોવડી અશોકભાઈ પીપળીયાએ ગોંડલનાં વચલી શેરીમાં આવેલા શહેરનાં એકમાત્ર મહાલક્ષ્મી મંદિર નો જીર્ણોધ્ધાર કરી નવનિર્માણ કરવા બીડુ જડપ્યાં બાદ ધમધોકાર રિનોવેશનનું કાર્ય શરુ કરાયું હતુ. ટુંકી જગ્યા માં રહેલા મંદિર ની પરીસર ને વિશાળ બનાવી આરસ,માર્બલ નાં ચણતર તથા ઝુમર સહિત લાઇટીંગ સાથે આધુનિક ઓપ અપાયો છે.
અશોકભાઈ પીપળીયાએ જણાવ્યું કે મહાલક્ષ્મી મંદિર અતિ પ્રાચિન અને પુરાતન છે. ગોંડલનાં અદભુત અને ગૌરવંતા ઇતિહાસને ફરી જીવંત કરવાની લગની ને કારણે ભુરાબાવા નાં ચોરા બાદ મહાલક્ષ્મી મંદિર નાં જીર્ણોધ્ધાર નું કાર્ય હાથ ધરાયુ હતુ. જેમાં અંદાજે ૩૫ લાખ થી વધુ ખર્ચ કરાયો છે. આ ભગીરથ કાર્યનાં મુખ્ય દાતા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર છે. ઉપરાંત ભક્તજનો અને વેપારીઓ સહયોગી બન્યા છે.
અશોકભાઈ પીપળીયાએ વધુમાં જણાવ્યું કે આ પ્રસંગે પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા આગામી તા.૫ દેવ દિવાળીનાં પાવન દિવસે બ્રહ્મ ચોર્યાસી નું આયોજન કરાયું છે.
ગોંડલનું મહાલક્ષ્મી મંદિર ઐતિહાસિક ગણાય છે.લોકવાયકા મુજબ જ્યારે ગોંડલ રાજ્ય દ્વારા સંત દાશી જીવણસાહેબને કેદખાનામાં બંધ કરી અમુક કોરી દંડ ભરવાનો આદેશ કરાયો હતો ત્યારે ખુદ ભગવાન શ્રીકળષ્ણ વેપારી શેઠ નો વેશ ધારણ કરી દ્વારકાથી ગોંડલ આવ્યા હતા. અને ગોંડલ પહોચી પહેલા વચલીશેરીમાં મહાલક્ષ્મી મંદિરે પહોચી દર્શન કરી બાદમાં દરબારગઢ પહોચી પોતાના પરમ ભક્ત દાસીજીવણ સાહેબનો દંડ ભરી તેમને કેદ મુક્ત કરાવ્યાં હતા. આજે પણ આ ઘટનાની ગવાહી આપતુ મહાલક્ષ્મી મંદિર આધુનિક સ્વરુપે દર્શનીય બન્યું છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
