<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

પાલીતાણાના કાળભૈરવ મંદિરે કાળીચૌદશ નિમિત્તે દિવ્‍ય મહાયજ્ઞ યોજાયો

કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા યજ્ઞવિધિમાં જોડાયાઃ આ વર્ષે યજ્ઞની મુખ્‍ય થીમ ‘યજ્ઞ સિંદૂર' રખાઈઃ પૂ. રમેશભાઇ શુકલ દ્વારા પૂજનવિધી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૦ :.. ભાવનગર જિલ્લાના  પાલીતાણામાં આવેલ સુપ્રસિદ્ધ કાલભૈરવ પીઠ, ભૈરવનાથ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળીચૌદશ નિમિત્તે દિવ્‍ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં રાજ્‍યના શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી  કુંવરજીભાઇ બાવળીયા યજ્ઞવિધિમાં ઉપસ્‍થિત રહી યજ્ઞમાં આહૂતિ આપી હતી.

આ વર્ષે યજ્ઞની મુખ્‍ય થીમ યજ્ઞ સિંદૂર રાખવામાં આવી છે. કાલરાત્રીના પવિત્ર દિવસે, આ શ્રી કાલભૈરવ મહાયજ્ઞ દર વર્ષની પરંપરા મુજબ ઉજવાય છે. આ યજ્ઞનો મુખ્‍ય હેતુ ગુજરાતનું લોકકલ્‍યાણ, ભારત દેશની સુરક્ષા, સમગ્ર રાષ્‍ટ્રની ચેતના અર્થે અને શક્‍તિમાં વધારો થાય તે માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ મહાયજ્ઞમાં આહૂતિ આપવા માટે સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી હજારોની સંખ્‍યામાં સંખ્‍યામાં ભક્‍તો, આગેવાનો અને ધર્મપ્રેમીઓ આવે છે. આ કાલભૈરવ પીઠમાં આવેલો પદ્મકુંડ ભારતનો સૌથી મોટો કુંડ ગણાય છે, જેમાં યજ્ઞ કરવાથી રાજયોગ પ્રાપ્ત થાય છે તેવી ધાર્મિક માન્‍યતા છે. આ ઉપરાંત, અહીં ત્રિકોણ કુંડમાં યજ્ઞ કરવાથી શત્રુમર્દન થાય છે. આ યજ્ઞમાં મોટી માત્રામાં યજ્ઞ સામગ્રીની આહૂતિ આપવામાં આવે છે.મંત્રી  કુંવરજીભાઇ બાવળીયા એ પ્રસિદ્ધ કાલભૈરવ મંદિરમાં કાલભૈરવ દાદાના શ્રદ્ધાપૂર્વક દર્શન- અર્ચન કરીને શીશ ઝુકાવ્‍યું હતુ.

આ તકે મંત્રી એ જણાવ્‍યું હતું કે, યજ્ઞની થીમ યજ્ઞ સિંદુર થકી દેશના તમામ નાગરિકો સુરક્ષિત રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે. સૌ નાગરિકોની સુખાકારી માટે રાજ્‍ય સરકાર સંકલ્‍પબદ્ધ છે. તાજેતરમાં કરાયેલ નવા મંત્રીમંડળના વિસ્‍તરણમાં નવા વિભાગની જવાબદારી મળી છે, તેને નિષ્ઠાપૂર્વક બજાવી છેવાડાના માનવી સુધી લાભો પહોંચે તે માટે કામગીરી કરવી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ યજ્ઞમાં જોડાવવાની તક મળી તે બદલ મંદિરના પૂજારી રમેશભાઈ શુક્‍લનો મંત્રીશ્રીએ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

મંત્રીશ્રીએ દિવાળીના ઉલ્લાસના તહેવાર અને આવનારું નવું વર્ષ સૌ નાગરિકો માટે સ્‍વસ્‍થ, તંદુરસ્‍ત અને સુખમય બની રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

આ તકે તેમની સાથે પાલીતાણાના ધારાસભ્‍ય ભીખાભાઇ બારૈયા સહિતના અગ્રણીશ્રીઓ તથા સ્‍થાનિક નગરજનો ઉપસ્‍થિત રહ્યાં હતા. 

(11:44 AM IST)