News of Tuesday, 21st October 2025
દિવાળીની રાત્રે જૂનાગઢમાં ફટાકડા ફોડવા બાબતે યુવાનની હત્યા
મહિલા સહિત ૫ શખ્સે બોથડ પદાર્થ, લાકડીઓ વડે હુમલો કરી હત્યા નીપજાવી, તમામ રાઉન્ડઅપ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૧ :.. દિવાળીની રાત્રે જુનાગઢનો મધુરમ વિસ્તાર રક્તરંજીત થયો હતો. ફટાકડા ફોડવા બાબતે યુવાન પર મહિલા સહિત ૫ શખ્સોએ બોથડ પદાર્થ અને લાકડીઓ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી યુવાનની હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ હતી. પોલીસે રાત્રે જ તમામને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
હત્યાના બનાવો અંગે પ્રાપ્ત થયેલી વિગતો એવી છે કે, જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ રાજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા દિવ્યાંગભાઈ વિનોદભાઈ ચુડાસમા ઉં. વ. ૨૮ દિવાળીની રાત્રે અમૂલ એપાર્ટમેન્ટના સામેની બાજુએ આવેલ ડિલક્ષ પાન પાસે ફટાકડા ફોડતા હતા અને ત્યારે અમુલ એપાર્ટમેન્ટમાં રહેતા રાજુ અરજણભાઈ હુંણ, રામશી રામભાઈ બારડ વગેરે પણ અમૂલ એપાર્ટમેન્ટ પાસે ફટાકડા ફોડતા હતા.
જે દરમિયાન રાજુ અરજણભાઈ હુંણ, રામશી રામભાઈ બારડ વગેરેએ ફટાકડા દિવ્યાંગભાઈ તરફ ફેંકતા બોલાચાલી થઈ હતી અને રાજુ અરજણભાઈ હુંણ, રામશી રામભાઈ બારડ, રામભાઈ વીરમભાઈ બારડ, કેવલ પીયૂષભાઈ જોષી, જયશ્રીબેન રામભાઈ બારડે દિવ્યાંગભાઈ પર બોથડ પદાર્થ અને લાકડીઓ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી તેની હત્યા કરી નાખી હતી.
હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વત્સલ સાવજ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. મળનાર યુવાનની માતાની ફરિયાદ લઈ તમામની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી અને રાત્રે જ તમામ આરોપીને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી હતી. (પ-૧૯)
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
