<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

આશાના દિવડાને પ્રગટાવીએ, વ્‍યકિત, સમાજ, રાષ્‍ટ્રના ઉત્‍થાન માટે પ્રાર્થના કરીએ : પૂ.રમેશભાઇ ઓઝા

શ્રીમદ્‌ ભાગવત કથાકાર ‘પૂ.ભાઇશ્રી' દિપાવલી - નૂતનવર્ષની શુભકામના પાઠવી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૧: આંતરરાષ્‍ટ્રીય શ્રીમદ્‌ ભાગવત કથાકાર પૂજ્‍ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝા દ્વારા દિપાવલી તથા નૂતનવર્ષનો શુભકામના સંદેશ..પાઠવવામાં આવ્‍યો છે.

દીપાવલીનો તહેવાર સમગ્ર ભારતવર્ષમાં અને ભારતીય મૂળના જે-જે લોકો વિશ્વના ખૂણે ખૂણે વસી રહ્યા છે અથવા તો ભારતની સંસ્‍કળતિ સાથે જે હૃદયપૂર્વક જોડાયા છે. એવા વિદેશોમાં વિદેશોના સરકારી કાર્યાલયોમાં અને કયાંક કયાંક અમેરિકા કે ઇંગ્‍લેન્‍ડ જેવા દેશોએ દિવાળીના ઉત્‍સવને પણ કાયદેસર જયારે ઉત્‍સવ ઘોષિત કર્યો છે ત્‍યારે એ સૌ દેશોમાં દિવાળીનો આ ઉત્‍સવ ખુબજ ઉલ્લાસપૂર્વક મનાવાય રહ્યો છે. 

બહુ પ્રસિદ્ધ વાત છે કે આપણે આ દિવાળીનો ઉત્‍સવ અંધકાર ઉપર પ્રકાશના વિજય તરીકે ઉજવીએ છીએ. દશેરાએ જેમ બુરાઈ ઉપર દેવત્‍વના વિજય તરીકે આપણે મનાવતા  હોઈએ છીએ. એમ દિવાળીનો ઉત્‍સવ અંધકાર ઉપર પ્રકાશનો વિજય. આ પ્રકાશનું પર્વ છે. પ્રકાશ જ વિજય થાય એનું ખુબ સીધુંસાદું તાર્કિક કારણ એ છે કે જ્‍યાં અંધકાર હોય ત્‍યાં પ્રકાશ આવે પ્રકાશ થાય પણ જ્‍યાં પ્રકાશ હોય ત્‍યાં અંધકારનો પ્રવેશ ના હોઈ શકે. તમે સારા બનો અને તમારી સારપને એટલી બધી દૃઢ કરો કે અંધકાર અને બુરાઈ આપણા જીવનમાં પ્રવેશી જ ના શકે. પ્રકાશ હોય છે ને એને કારણે જ આપણો પડછાયો હોય છે. જો પ્રકાશ ના હોય તો તમારો પડછાયો પણ તમારી સાથે ના હોય. એટલે આપણે પ્રકાશની પૂજા કરીએ છીએ. આ દીપોત્‍સવીનું પર્વ છે. પૂજા ઈત્‍યાદી કાર્ય થતા હોય ત્‍યારે પણ પ્રારંભે આપણે સૂર્યની પૂજા કરીએ છીએ દીપકની પૂજા કરતા હોઈએ છીએ. દીપકને અને સૂર્યને આપણે આપણા કર્મના સાક્ષી તરીકે માનીએ છીએ. દીપક એ રાત્રીના સમયે સૂર્યનારાયણનો પળથ્‍વી ઉપરનો પ્રતિનિધિ છે. અને એટલા માટે ભલે અમાસની સાંજ પડે પણ સાંજ પડતાની સાથે હજારો-હજારો દીપકોની આવલિ પંક્‍તિઓ એ અમાસની રાતને પણ અજવાળે છે. અને એટલા માટે દીપાવલીનું આ પર્વ એ આશાનું પર્વ છે. એ એક સકારાત્‍મક પુરુષાર્થનું પ્રતીક છે. પ્રાર્થનાનો એક અર્થ જ એ થાય છે કે આપણે એક શુભસંકલ્‍પ કરીએ છીએ સકારાત્‍મક ભાવનાથી અને સકારાત્‍મક વિચારોથી. પરમ સત્તા પ્રત્‍યેના એક વિશ્વાસ સાથે આપણે યુક્‍ત થઇ અને કઈક નિવેદન કરીએ છીએ એનું નામ પ્રાર્થના. અને તેથી હમેશા અંધકાર ઉપર પ્રકાશનો જ વિજય થાય છે.

 સત્‍યમેવ જયતે એ આપણું રાષ્‍ટ્રીય સૂત્ર પણ છે. એટલે સકારાત્‍મક વિચારોથી, શુભ સંકલ્‍પોથી યુક્‍ત થઇ આપણે આશાના દીવડાને પ્રગટાવીએ. વ્‍યક્‍તિ, સમાજ અને રાષ્‍ટ્રનું ઉત્‍થાન થાય એના માટેની પ્રાર્થના કરીએ.

સૌને આ વિચારો સાથે દીપાવલી અને એ પછી પ્રારંભ થતા નવવર્ષની ખુબ ખુબ શુભકામના. આપણે દીવડા પ્રગટાવીશું, રાત્રીના અંધકાર સાથે લડીશું તો એ પછીની સવારનો સૂર્ય આપણા જીવનમાં જરૂર પ્રગટ થશે જ અને આપણે પ્રાતઃકાલે એના ઓવારણા લઇ એને પ્રણામ કરી અને નવવર્ષની શરૂઆત કરીશું..‘આપ સૌને નૂતન વર્ષાભિનંદન' તેમ પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ અંતમાં જણાવ્‍યુ છે.

 

(1:44 PM IST)