News of Tuesday, 21st October 2025
પોરબંદરના દરિયા મહેલમાં રાજાશાહી કલા
વારસાને યાદ અપાવતી પ૦×પ૦ ફૂટની રંગોળી કલાત્મક રંગોળી સાથે ખુણે ખુણે ઝગમગતા દીવડાઓથી હેરીટેજ દરિયા મહેલ દીપી ઉઠયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૧ : હેરીટેજ દરિયા મહેલમાં વિષ્ણુના આયુધોને આધારે ભવ્ય દિવાળી ઉત્સવ ઉજવણી હેઠળ કંઝર્વેટરી સંસ્થા દ્વારા ઐતિહાસિક દરિયા મહેલમાં રાજાશાહી કળા અને વારસાનું અનોખું દ્રશ્ય સર્જાયું હતું. પોરબંદર કંઝર્વેટરી સંસ્થા દ્વારા પોરબંદરના ઐતિહાસિક અને રાજાશાહી વારસાને યાદ અપાવતી પ૦×પ૦ ફૂટની રંગોળીએ આકર્ષણ જમાવ્યું હતું. ઐતિહાસિક દરિયા મહેલ જે આજકાલ આ.જી.ટી. કોલેજ તરીકે ઓળખાય છે, ત્યાં દિવાળીના પાવન અવસરે અવિસ્મરણીય અને કલાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભગવાન વિષ્ણુના ચાર પવિત્ર આયુધો - શંખ, ચક્ર, ગદા અને પદ્મ - ને આધારે અંદાજે ૫૦×૫૦ ફૂટની ભવ્ય રંગોળી તૈયાર કરવામાં આવી હતી. રંગો, કલાત્મક અભિવ્યક્તિ અને ધાર્મિક પ્રેરણાના સંયોજનથી આ રંગોળીએ રાજમહેલના પ્રાંગણમાં દિવ્યતા અને રાજાશાહી ભવ્યતાનું અનોખું દૃશ્ય સર્જ્યું હતું.
આ આયુધો જીવનમાં સમતોલતા, શાંતિ અને ન્યાયના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.
સાંજે, દરિયા મહેલના ઝરૂખા, બારમદાં અને આંગણાં ઘણા દીવડાઓથી ઝગમગી ઉઠ્યાં. દીવડાઓના ઝળહળતા પ્રકાશમાં રાજમહેલ જાણે જીવંત થઈ ગયો હોય તેવી દૃશ્યાવલિ ઉપસ્થિત રહી. રાજમહેલના દરેક ખૂણે પ્રકાશ અને ભક્તિનો મેળાપ અનુભવાતો હતો.
કંઝર્વેટરી સંસ્થાના ડેપ્યુટી ચેરમેન ડો સુરેશ ગાંધી ડાયરેક્ટર સુમનસિંહજી ગોહેલ ડેપ્યુટી ડાયરેક્ટર રાજેશભાઇ લાખાણીના માર્ગદર્શન હેઠળ રંગોળીનું આયોજન અને કાર્યક્રમને સફળ બનાવવા લાયનસ કલબ, સેક્રેટરી પૂજન કવા, જલ્પાબેન, ડૉ. બંસી માદલાણી, ભાવનાબેન છેલાવડા, કમલ સોનરાજ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રિન્સિપાલ અલ્તાફખાન રાઠોડે જહેમત ઉઠાવી હતી.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
