<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

પોરબંદરમાં લાંબા સમયથી બંધ રેલ્‍વે ફાટક પુનઃ ખોલાવવા અર્જુનભાઇ મોઢવાડિયાની ખાતરી

બંધ રેલ્‍વે ફાટકને લીધે ઉદ્યોગનગર વિસ્‍તારની સોસાયટીઓના લોકોને ર કીમી ફરીને જવું પડે છેઃ અર્જુનભાઇએ સ્‍થળ ઉપર જઇને લોકોની વેદના સાંભળી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૧: છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગનગરના બંધ રેલ્‍વે ફાટકનો વિવાદ ચાલી રહ્યો છે. રેલ્‍વે ફાટક છેલ્લા ચાર માસથી બંધ હોવાથી આસપાસના સ્‍થાનિકોએ અત્‍યાર સુધીમાં ધારાસભ્‍યથી માંડી કેન્‍દ્રીય મંત્રી સુધી રજૂઆતો કરી હતી. છેલ્લે રેલવે ટ્રેક પર બેસી સ્‍થાનિકોએ ફાટક ખોલોના નારા પણ લગાવ્‍યા હતા અને અંતિમ અઠવાડિયાની ચેતવણી આપી જો ફાટક નહિ ખુલે તો રેલવે રોકો આંદોલનની ચીમકી પણ સ્‍થાનિકોએ ઉચ્‍ચારી હતી. કેબિનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ દિવાળીના શુભ દિવસે ઉદ્યોગનગરના ફાટકની સ્‍થળની મુલાકાત લીધી અને વાતચીત કરી આ રેલ્‍વે ફાટક પુનઃ ખોલાવવા ખાતરી આપી હતી.

કેબીનેટ મંત્રી અર્જુનભાઇએ જણાવ્‍યુ કે રેલવેએ કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર ફાટક બંધ કરી દેતા લોકોમાં અસંતોષ હતો. લોકોની પરિસ્‍થિતિને ધ્‍યાને રાખી સાંસદ અને કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાને રજૂઆતો કરી હતી પરંતુ એક વખત રેલવે ફાટક બંધ થયા પછી સ્‍થાનિક અધિકારીઓ પાસે ફાટક ખોલાવવાની કોઈ સત્તા નથી જેથી મનસુખભાઈ સાથે લોકોની રજૂઆતોને ધ્‍યાને રાખી ફાટક ખોલાવવા ચર્ચા કરી હતી.

હાલ ઉદ્યોગનગર રેલવે ફાટક આસપાસ સિવિલ કામગીરી ચાલી રહી છે. બે થી ત્રણ દિવસમાં આ કામગીરી પૂર્ણ થશે ત્‍યારે ગણતરીના દિવસોમાં ઉદ્યોગનગર ફાટક ફરી લોકોની અવર-જવર માટે ખોલવામાં આવશે તેવું મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું.

(1:36 PM IST)