<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં ખેડૂતો ચેતજો : ૨૬ થી ૩૧ ઓક્ટોબર સુધી ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ : સૌરાષ્ટ્રમાં ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે - હવામાન નિષ્ણાત વજુભાઈ બારૈયા

દક્ષિણ ગુજરાતમાં ૨૬ ઓક્ટોબરથી ગાજવીજ સાથે વરસાદની શક્યતા : ૨૭ ઓક્ટોબરથી વિસ્તાર વધશે : ૨૯-૩૦-૩૧ ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના : ખેત પેદાશોને નુકસાન થવાની ભીતિ

સાવરકુંડલા : હાલમાં ગુજરાતમાં દિવાળીના તહેવારોની મોસમ પૂર્ણ થઈ છે, ત્યારે ખેડૂત મિત્રો માટે માઠા સમાચાર આવ્યા છે. હવામાન નિષ્ણાત વજુભાઈ બારૈયા (ગામ વાશીયાળી, તાલુકો સાવરકુંડલા) દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ૨૬ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર સુધી રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે આ પરિસ્થિતિ ઊભી થશે.
ક્યા જિલ્લાઓમાં ક્યારે વરસાદની શક્યતા?
હવામાન નિષ્ણાતની આગાહી મુજબ, રાજ્યમાં વરસાદની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થશે અને ક્રમશઃ તે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ફેલાશે:
 * ૨૬ ઓક્ટોબર: દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. ખાસ કરીને તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માં વરસાદની સંભાવના છે.
 * ૨૭ ઓક્ટોબર: વરસાદનો વિસ્તાર વધશે. જેમાં છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ, વાપી, બારડોલી, વ્યારા સહિતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
 * સૌરાષ્ટ્રમાં અસર: ૨૭ ઓક્ટોબરથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદની સાથે ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
૨૯ થી ૩૧ ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની સંભાવના
વજુભાઈ બારૈયાએ વિશેષ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, ૨૯, ૩૦ અને ૩૧ ઓક્ટોબર દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે.
ખેડૂત મિત્રોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તૈયાર પાકને કાપણી કરીને સુરક્ષિત સ્થળે ખસેડી દે, તેમજ ખુલ્લામાં પડેલા અનાજને તાત્કાલિક ઢાંકી દેવાની વ્યવસ્થા કરે, જેથી કમોસમી વરસાદ અને ઝડપી પવનથી થતા નુકસાનથી બચી શકાય.

 

(4:58 PM IST)