News of Thursday, 23rd October 2025
દિવાળીની રાત્રે 'ખાખી'ની આબરૂના લીરા: અમરેલીના સાલડી ગામમાં મારામારી વચ્ચે દારૂ પીધેલો પોલીસકર્મી પકડાયો, જીવ બચાવી ભાગ્યો
વિડિયો વાયરલ થતાં SP સંજય ખરાટ દ્વારા તાત્કાલિક કાર્યવાહી: 'નશામાં ધૂત' પોલીસકર્મી સિદ્ધરાજસિંહ જાડેજા સસ્પેન્ડ.

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સાલડી ગામમાં દિવાળીની રાત્રે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સંભાળતા પોલીસકર્મીની ગંભીર બેદરકારી સામે આવતા પોલીસતંત્રમાં હડકંપ મચી ગયો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખને કારણે એક જ સમુદાયના બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની હતી, જેને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ત્યાં પહોંચેલા એક પોલીસકર્મીની હાલત જોઈને ગ્રામજનો રોષે ભરાયા હતા.
ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મી સિદ્ધરાજસિંહ જાડેજા નશામાં ધૂત હોવાનું ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો હતો. ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરીને 'આ સાહેબ નશામાં છે, તેના મોઢામાંથી દારૂની વાસ આવે છે' કહીને ભારે હોબાળો મચાવ્યો હતો. આ વિવાદ વધતાં પોલીસકર્મી જાડેજાએ પિસ્તોલ ફોડીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
ગ્રામજનોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતાર્યો, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પોલીસકર્મી જાડેજા ગામલોકોની વાંધા-વચકા સાંભળતાની સાથે જ દોડવા લાગે છે. અન્ય પોલીસકર્મીઓ પણ પોતાની જીપ સાથે તેનો પીછો કરતા દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો, જેના કારણે મામલો ગરમાયો હતો.
આ ગંભીર વીડિયો અમરેલી જિલ્લા પોલીસ અધિકારી સંજય ખરાટના ધ્યાનમાં આવતાં જ તેમણે કડક અને તાત્કાલિક પગલાં લીધા હતા. ફરજ પર બેદરકારી અને નશામાં હોવાના ગંભીર આરોપને ધ્યાનમાં રાખીને પોલીસકર્મી સિદ્ધરાજસિંહ જાડેજાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. SP એ જણાવ્યું કે હાલમાં પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલી રહી છે.
નોંધનીય છે કે સાલડી ગામમાં થયેલી મારામારીની ઘટનામાં બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે અને ગ્રામ પંચાયતની ચૂંટણીના આ હાહાકારમાં પોલીસે કુલ ૨૫ આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જોકે, આ ઘટનાથી કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસતંત્રની છબી ખરડાઈ છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
