<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

ભાવનગરમાં 'ઓનર કિલિંગ'ની કરુણ ઘટના: પ્રેમલગ્નની જીદ કરનાર દીકરીને માતા-ભાઈએ મળીને મોતને ઘાટ ઉતારી

પિતાએ જ પત્ની અને પુત્ર સામે નોંધાવી હત્યાની ફરિયાદ: માતાએ મોઢું દબાવ્યું, ભાઈએ ઉપરાછાપરી છરીના ઘા ઝીંક્યા; લાશને ચેકડેમમાં ફેંકી પુરાવાનો નાશ કર્યો.

ભાવનગર: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામમાં પ્રેમસંબંધના વિરોધમાં 'ઓનર કિલિંગ' ની એક અત્યંત કરુણ અને સનસનીખેજ ઘટના સામે આવી છે. ૨૨ વર્ષીય યુવતી પારૂલ સરવૈયા ને તેના માતા અને ભાઈએ જ ભેગા મળીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
મૃતક પારૂલ શિહોરના એક યુવક સાથે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરતી હતી અને તેની સાથે પ્રેમ લગ્ન કરવાની જીદ પર અડગ હતી. જોકે, પારૂલના માતા દયાબેન અને ભાઈ પ્રકાશ ને આ સંબંધ 'સમાજની આબરૂ'ને કારણે મંજૂર નહોતો, જેના પરિણામે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા.
ગત ૧૮ ઓક્ટોબરના રોજ સવારે પારૂલના પિતા હિંમતભાઈ મજૂરી કામે ગયા હતા. સવારે ૧૦:૩૦ વાગ્યે પારૂલ ફરીવાર યુવક સાથે વાત કરતાં માતાના હાથે પકડાઈ ગઈ. માતા-પુત્રએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ પારૂલે ભાગી જઈ લગ્ન કરવાની ધમકી આપી. આનાથી ઉશ્કેરાઈને:
માતા દયાબેને: પારૂલને પકડી તેના મોઢા પર હાથ દબાવી દીધો.
 ભાઈ પ્રકાશે: ઘરમાં પડેલી મોટી છરી વડે પારૂલના ગળા અને શરીર પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા. વધુ પડતા રક્તસ્રાવને કારણે પારૂલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
હત્યા કર્યા બાદ માતા-પુત્રએ દિવસભર લાશને કુવા પાસેના ઝાડમાં છુપાવી રાખી. મોડી રાત્રે બંનેએ મળીને લાશને ગામની પાછળ આવેલા ખાલી ચેકડેમમાં ફેંકી દીધી અને હત્યામાં વપરાયેલા કપડાં તથા છરીનો પણ નાશ કર્યો.
બીજા દિવસે ચેકડેમમાંથી કોહવાઈ ગયેલી લાશ મળતાં પિતા હિંમતભાઈ સરવૈયાએ ઓળખ કરી અંતિમવિધિ કરી દીધી. જોકે, પાછળથી તેમને શંકા જતાં પત્નીને પૂછપરછ કરતાં હત્યાનો સમગ્ર ભેદ ઉકેલાયો. પુત્રીને ન્યાય મળે તે હેતુથી પિતાએ જ પત્ની દયાબેન અને પુત્ર પ્રકાશ વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં હત્યા અને પુરાવાનો નાશ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને આરોપી માતા-પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:24 PM IST)