News of Friday, 24th October 2025
થાન વિસ્તારમાં ગૌરક્ષકોની ટીમની સક્રિયતાથી કતલખાને લઈ જવાતા 10 જેટલા અબોલ પશુઓના જીવ બચાવ્યા
ગૌરક્ષકોએ બાતમીના આધારે વોચ ગોઠવીને આ પશુઓ ભરેલી એક પીકઅપ વાનને ઝડપી પાડી :થાનના મંડળાસર ગામ પાસેના રોડ પરથી અબોલ પશુઓને ક્રૂરતાપૂર્વક ભરીને કતલખાને લઈ જવાતા હતા

સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં આજે ગૌરક્ષકોની ટીમે સક્રિયતા દાખવીને કતલખાને લઈ જવાતા 10 જેટલા અબોલ પશુઓના જીવ બચાવ્યા છે. ગૌરક્ષકોએ બાતમીના આધારે વોચ ગોઠવીને આ પશુઓ ભરેલી એક પીકઅપ વાનને ઝડપી પાડી હતી. ગૌરક્ષકોની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે થાનના મંડળાસર ગામ પાસેના રોડ પરથી અબોલ પશુઓને ક્રૂરતાપૂર્વક ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે.
આ બાતમીના આધારે ગૌરક્ષકોએ તરત જ આ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન ગૌરક્ષકોએ શંકાસ્પદ જણાતી 10 અબોલ પશુઓ ભરેલી એક બોલેરો પીકઅપ વાનને આંતરીને તેને ઝડપી પાડી હતી. વાહનની તપાસ કરતાં અંદરથી પશુઓને અત્યંત બેરેહમીપૂર્વક બાંધીને ભરવામાં આવેલાં જોવા મળ્યાં હતાં. ગૌરક્ષકોએ તાત્કાલિક પશુઓને વાનમાંથી મુક્ત કરીને તેમને કતલખાને લઈ જતાં બચાવી લીધા હતા.
ગૌરક્ષકોએ સ્થળ પર જ બોલેરો પીકઅપ વાનના ચાલકને પણ ઝડપી પાડ્યો હતો અને આ સમગ્ર બનાવની જાણ થાન પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને વાહનચાલકની અટકાયત કરી હતી. પોલીસે ગૌરક્ષા કાયદા અને પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વાહન કબજે કરીને ઝડપાયેલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આ ગેરકાયદેસર કતલની પ્રવૃત્તિના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
