<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

ભાવનગરના સિહોર તાલુકાના ભાણગઢનાં લોકોને કોઝવે તૂટતા ભારે હાલાકીઃ બ્રીજ બનવાની રાહ જોતા ગામજનો

ભાવનગરઃ જીલ્‍લાના સિહોર તાલુકાનાં ભાણગઢ ગામનાં લોકો પ્રાથમિક સુવિધાઓનાં અભાવે દયનીય સ્થિતિમાં જીવન જીવવા માટે મજબૂર બન્યા છે. ગામનો મુખ્ય કોઝવે તૂટી ગયો હોવાથી લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. ગત વર્ષે કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરાયું હતું પરંતુ, કામ અધૂરું છોડાતા ગ્રામજનો લાંબા સમયથી બોટનો ઉપયોગ કરીને રસ્તો પસાર કરી રહ્યા છે. જિલ્લા પંચાયતનાં માર્ગ-મકાનનાં અધિકારીએ કહ્યું કે, ટૂંક જ સમયમાં સાડા 5 કરોડનાં ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે.

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભાણગઢ ગામનાં લોકો હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી ગામનો મુખ્ય કોઝવે તૂટેલી હાલતમાં હોવાથી ગ્રામજનો બોટનો ઉપયોગ કરીને રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. ગત વર્ષે કોન્ટ્રાક્ટર દ્વારા થોડું કામ શરૂ કરાયું હતું પરંતુ, કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડતાં ગામલોકો પરેશાન થયા છે. માહિતી અનુસાર, ભાણગઢ ગામથી પાળીયાદ જવાનાં માર્ગ પર આ કોઝવે આવેલો છે જે તૂટી જતાં કાળુભાર નદીનું પાણી આવતા આ પરિસ્થિતિ સર્જાઈ છે.

હાલ ભાણગઢ ગામની વસ્તી 500 થી વધુ છે, જેઓ પાળીયાદ, દેવળીયા, વલભીપુર જવા માટે બોટનો ઉપયોગ કરી રહ્યા છે. આ બાબતે જ્યારે જિલ્લા પંચાયતનાં માર્ગ-મકાનનાં અધિકારી સાથે વાત કરવામાં આવી તો તેમણે બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થવાનું રટણ કરતા જણાવ્યું હતું કે, હવે ટૂંક જ સમયમાં સાડા 5 કરોડનાં ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી ફરી શરૂ થઈ જશે. જો કે, આ બ્રિજ નિર્માણમાં કેટલો સમય લાગશે તે હવે જોવાનું રહ્યું.

(5:02 PM IST)