<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

નૂતન વર્ષ કારતક માસના પ્રથમ શનિવારે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન : ૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દાદાનો મહાપ્રસાદ લીધો

આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી છલકાઈ ગયું : શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વિવિધ કાર્યક્રમો

રાજકોટ તા.૨૫

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે તા. ૨૫-૧૦-૨૦૨૫, શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ ને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. 

આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના, વૃંદાવનમાં પાંચ દિવસની મહેનતે એમ્બ્રોઇડરી અને જરદોશી વર્ક સાથે તૈયાર કરાયેલા ભવ્ય વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ સાથે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનદાદાને સિંહાસન પર વિવિધ ચલણી નોટોનો શણગાર પણ કરવામાં આવ્યો હતો. 

પૂજારી સ્વામીએ આ અંગે જણાવ્યું હતું કે, આ શણગારમાં ₹ ૧૦, ₹ ૨૦, ₹ ૫૦, ₹ ૧૦૦, ₹ ૨૦૦ અને ₹ ૫૦૦ની ભારતીય ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આજના દિવસે સવારે મંગળા આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી, જ્યારે શણગાર આરતી પ.પૂ. શાસ્ત્રીશ્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. 

નૂતન વર્ષ કારતક માસના પ્રથમ શનિવારે માનવ મહેરામણ ઉમટ્યું હતું. આજે સમગ્ર દિવસ દરમિયાન 10 લાખથી વધુ ભક્તોએ દાદાના દર્શન કર્યા હતા. આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી છલકાઈ ગયું હતું. આજે સવારે મંગળા આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. શ્રીકષ્ટભંજનદેવ ભોજનાલયમાં 4 લાખથી વધુ લોકોએ મહાપ્રસાદ લીધો હતો, મહત્ત્વનું છે કે, પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) શ્રીકષ્ટભંજનદેવ ભોજનાલયમાં ભોજનાલય હરિભક્તોને મળી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.

(7:57 PM IST)